અંકલેશ્વરમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યા
તંત્ર દ્વારા ટ્રાફિકને કંટ્રોલ કરવા કવાયત
વહીવટી તંત્રએ વિવિધ વિભાગો સાથે કરી મિટિંગ
ટ્રાફિકથી ધમધમતા સ્થળોની લીધી મુલાકાત
ભારે વાહનો પર પ્રતિબંધની શક્યતા વ્યક્ત કરાઈ
અંકલેશ્વર વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે,અને એક મેરેથોન મિટિંગ કરીને સ્થળ મુલાકાત કરવામાં આવી હતી,જેમાં ચૌટા નાકા, મહાવીર ટર્નીંગ, વાલિયા ચોકડી પર સૌથી વધુ ટ્રાફિક જોવા મળ્યો હતો.
અંકલેશ્વરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ અંકલેશ્વર એસ.ડી.એમ, અંકલેશ્વર ડી.વાય.એસ.પી , મામલતદાર, એન.એચ.આઈ.એ ,આર.એન.બી અને જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા પ્રથમ તાલુકા સેવા સદન ખાતે મહત્વની બેઠક યોજી હતી.જે બાદ તમામ અધિકારીઓ દ્વારા અંકલેશ્વર શહેરમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે ચૌટા નાકા, પીરામણ નાકા, ઓએનજીસી ઓવરબ્રિજ સહિત સ્થળ પર તપાસ કરી હતી.
જ્યાં સૌથી વધુ ચૌટા નાકા પર ટ્રાફિક ભારણ જોવા મળ્યું હતું. શહેરમાં ભારદારી વાહનોને લઇ ટ્રાફિક સમસ્યા સર્જાય છે.જે પ્રથમ દ્રષ્ટિએ જોવા મળતા હેવી વ્હીકલ માટે અન્ય વૈકલ્પિક માર્ગ શોધી તેના પર પ્રતિબંધ મુકવામાં આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યાર બાદ મહાવીર ટર્નીંગ, પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી ખાતે સ્થળ તપાસ કરી હતી.જેમાં સૌથી વધુ મહાવીર ટર્નીંગ પર અને વાલિયા ચોકડી ખાતે ટ્રાફિક જોવા મળ્યો હતો. આ કવાયત દરમિયાન હાઇવેમાં અને શહેરમાં ડાઈવર્ઝન કઈ રીતે આપવું, ક્યાં વન વે માર્ગ કરવો,ડિવાઈડર ક્યાં નાના કરવા,દબાણ દૂર કરવા માટે તેમજ વાહનો પર પ્રતિબંધ મૂકવા સહિત કન્ટેનર યાર્ડ ડેપોને લઇ કન્ટેનર માટે અલગ વ્યવસ્થા કરવા અંગે વિવિધ વિકલ્પની ચકાસણી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં આ વિકલ્પ આધારે તમામ તંત્રની એક કમિટી કાર્યરત બની અંકલેશ્વરના ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એક્શન પ્લાન અમલીકરણ કરવામાં આવશે.