/connect-gujarat/media/media_files/2026/03/09/dolphin-rescue-2026-03-09-17-27-12.jpg)
ભરૂચના દહેજ દરિયાકિનારે આવેલી એક નાની ક્રિકમાં લો ટાઈડ દરમિયાન બે ડોલ્ફિન ફસાઈ જવાના બનાવે થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. પાણી ઉતરી જતા બંને ડોલ્ફિન પરત દરિયામાં જઈ શકી નહોતી. દહેજ જેટ્ટી પાસે કામગીરી કરતી બોટ મોટર લોન્ચ “અલ હૈદરી”ના કર્મચારીઓની નજર આ ડોલ્ફિન પર પડતાં તેઓએ તરત જ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.
ક્રિકમાં ફસાયેલ બંને ડોલ્ફિનને દોરીની મદદથી કાળજીપૂર્વક બહાર કાઢી ફરીથી દરિયાના ઊંડા પાણીમાં છોડવામાં આવી હતી.આ બોટ દહેજના દરિયાકાંઠે બિરલા કોપર જેટ્ટી નજીક કામગીરી કરતી હતી. ડોલ્ફિનને સલામત રીતે દરિયામાં પાછી મુકતા દરિયા કિનારે હાજર લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. આ કામગીરી દરમિયાન રોજા હોવા છતાં બોટના કર્મચારી શબ્બીરભાઈ સોઢાએ દરિયાકાંઠાના કાદવમાં પહોંચી ભારે મહેનત કરી ડોલ્ફિનના રેસ્ક્યૂમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.