ભરૂચ જિલ્લામાં ઈદે મિલાદુન્નબીની દબદબાભેર ઉજવણી
ભરૂચ-અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરોએ કરી ઉજવણી
ઈદે મિલાદના પાવન અવસરે ભવ્ય જુલૂસ નીકળ્યા
વરસાદી વાતાવરણમાં પણ ભારે ઉમંગ જોવા મળ્યો
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જુલૂસનું થયું સમાપન
ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં ઈદે મિલાદુન્નબીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી ક૨વામાં આવી હતી. અને શહેરના વિવિધ વિસ્તારોમાં જુલૂસ નીકળ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
ભરૂચ શહેરમાં ઈદે મિલાદના પાવન અવસરે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જુલુસ જંબુસર બાયપાસથી પ્રારંભ થઈ મહંમદપુરા સર્કલ સુધી પહોંચ્યું હતું.વરસાદી ઝાપટા વચ્ચે પણ હજારોની સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર જુલુસમાં ભાગ લીધો હતો.આ પ્રસંગે નગારા, તાશા, ઝાંઝપટ્ટા સાથે ધાર્મિક નારા ગૂંજ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વરસાદી વાતાવરણ છતાં શ્રદ્ધાળુઓએ ભારે ઉમંગ દર્શાવ્યો હતો.આ પ્રસંગે કેટલીક સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો દ્વારા જુલુસમાં જોડાયેલા ભક્તો માટે નાસ્તા અને પીવાના પાણીની મફત વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.શહેરમાં જુલુસને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક એકતાના માહોલમાં પૂર્ણ થયો હતો.
અંકલેશ્વર શહે૨માં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન્નબીની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.આ જુલુસ શહેરના કસ્બાતીવાડથી નીકળી કાગદીવાડ, ગોયા બજાર, ભાટવાડ, ભંડાર હોટલ, મુલ્લાવાડ થઈ કાજી ફળિયાથી હઝરત હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે બાલ મુબારકની જિયારત કરાવી જુલૂસનું સમાપન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના ડીવાયએસપી ડો.કુશલ ઓઝાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર કોમી એકતા અને ભાઇચારા સાથે ઉજવાયો હતો.