હવામાન વિભાગની આગાહીના પગલે વરસ્યો કમોસમી વરસાદ
આકાશી આફતના કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન
ખેતીને નુકસાન થતાં સાંસદ મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરી
છેલ્લા 6 મહિનામાં કમોસમી વરસાદથી ઊભો પાક બરબાદ થયો
ખેડૂતોને પાક નુકસાની સામે સહાય મળે તે માટે રજૂઆત કરાય
તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ભરૂચ જીલ્લામાં ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે સાંસદ મનસુખ વસાવાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
તાજેતરમાં હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે ભરૂચ જીલ્લામાં પણ આવેલી આકાશી આફતના કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. જેના પગલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરી છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે, છેલ્લા 6 મહિનામાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઊભો પાક બરબાદ થયો છે. માવઠામાં મોટાભાગના ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયો છે. પાક નિષ્ફળ જવા ઉપરાંત, પશુઓ માટેનો સૂકો ઘાસચારો પણ પલળીને નાશ પામ્યો છે. જેનાથી ખેડૂતોનું આર્થિક બજેટ પણ ખોરવાઈ ગયું છે. જોકે, સરકાર આ બાબતે ગંભીર છે, ત્યારે ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે યોગ્ય સહાય મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયાજનક બની છે, ત્યારે હવે રાજ્ય સરકાર વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવે તેવી અસરગ્રસ્ત ખેડૂતો આશા રાખીને બેઠા છે.





































