ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના રહીશ અને હાલ રાજપારડી ખાતે રહેતા કલ્પેશ જગદીશભાઇ પટેલ ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તેઓ આજરોજ સવારના આઠ વાગ્યાના અરસામાં બાઇક લઇને રાજપારડી થી કરાર થઇને નોકરીએ જવા નીકળ્યા હતા,તેઓ કરાર નજીકથી પસાર થતા હતા, તે દરમિયાન કરાર ગામના ગરનાળા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઇને ઉભેલા બે ઇસમોએ બાઇકનું સ્ટીયરિંગ પકડી લેતા કલ્પેશે બાઈક ઉભી કરી દીધી હતી.
ત્યારબાદ તે લૂંટારુઓએ કલ્પેશના ગળા નજીક હથિયાર મુકી દેતા કલ્પેશ પટેલ ગભરાઇ ગયા હતા.અને લૂંટારૂએ સોનાની ચેન અને બે વીંટી મળી અંદાજીત રૂપિયા 1.50 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.લૂંટનો ભોગ બનનાર કલ્પેશ પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદમાં કલ્પેશ પટેલે અજાણ્યા લૂંટારૂઓએ ટીશર્ટ અને લૂંગી પહેરેલ હતી અને હિન્દી ભાષા બોલતા હોવાનું વર્ણન કર્યું હતું.પોલીસે તેઓની ફરિયાદ દર્જ કરીને તપાસ શરૂ કરી છે.