KP ગ્રુપ અને બોત્સ્વાના સરકાર વચ્ચે MoU
રૂ.36,000 કરોડનો ઐતિહાસિક કરાર
5 ગીગાવોટના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ સ્થપાશે
સમજૂતી કરાર પર કરવામાં આવ્યા હસ્તાક્ષર
બોત્સ્વાનામાં રોજગારીના નવા દ્વાર ખુલશે
ગુજરાત સ્થિત અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપની KP ગ્રુપ અને આફ્રિકન દેશ બોત્સ્વાનાની સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ KP ગ્રુપ બોત્સ્વાનામાં રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અંદાજે રૂપિયા 36,000 કરોડ ($4.4 બિલિયન)નું જંગી રોકાણ કરશે.
ભરૂચ જિલ્લાના માતર ખાતે થયેલ KP ગ્રુપના ઐતિહાસિક કરાર પ્રોજેક્ટની મુખ્ય વિગતો જોઈએ તો બોત્સ્વાનામાં કુલ 5 ગીગાવોટ (5000 MW) ક્ષમતાના રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ (સોલાર અને વિન્ડ) સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા ઈન્સ્ટોલેશન દરમિયાન 6,000 થી 7,000 લોકોને કામચલાઉ અને 1,500 લોકોને 25 વર્ષ સુધી કાયમી રોજગારી મળશે.આ પ્રોજેક્ટથી 10 લાખથી વધુ ઘરોને સ્વચ્છ વીજળી પૂરી પાડી શકાશે.આ વિશાળ પ્રોજેક્ટ માટે અંદાજે 25,000 એકર જમીનની જરૂરિયાત રહેશે.
KP ગ્રુપ માત્ર ઉર્જા ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક જવાબદારીના ભાગરૂપે બોત્સ્વાનાના 30 તેજસ્વી વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ અને સસ્ટેનેબિલિટી જેવા વિષયોમાં અભ્યાસ માટે વાર્ષિક શિષ્યવૃત્તિ પણ પૂરી પાડશે.
આ કરારથી બોત્સ્વાનાની ફાસિલ ફ્યુઅલ (કોલસો/તેલ) પરની નિર્ભરતા ઘટશે અને વર્ષ 2030 સુધીમાં દેશને 'નેટ-ઝીરો' બનાવવાના લક્ષ્યમાં મદદ મળશે. આ ઉપરાંત, હાઈ-વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઈનોના અપગ્રેડેશન દ્વારા દક્ષિણ આફ્રિકા સહિતના પડોશી દેશો સાથે વીજ જોડાણો મજબૂત કરવામાં આવશે.
KP ગ્રુપના સ્થાપક અને એમ.ડી.ડો.ફારુક જી.પટેલે જણાવ્યું હતું કે "આ સમજૂતી દ્વારા અમે બોત્સ્વાનાના નેટ-ઝીરો લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં સહભાગી થઈ રહ્યા છીએ.KP ગ્રુપ માટે ભારતની બહાર રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આ એક મોટું વિસ્તરણ છે.અમને ગર્વ છે કે અમે આફ્રિકામાં સ્વચ્છ ઉર્જાના માધ્યમથી આર્થિક મૂલ્ય સર્જવામાં યોગદાન આપીશું."KP ગ્રુપ આ પ્રોજેક્ટ્સ દ્વારા વર્ષ 2030 સુધીમાં નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે મળીને કુલ રૂપિયા 31,000 કરોડનું રેવન્યુ હાંસલ કરવાની સંભાવના ધરાવે છે.આ પ્રસંગે બોત્સ્વાના ખનીજ અને એનર્જી મિનિસ્ટર કોઈ બોગલા,ફોરેન એફેર્સ મિનિસ્ટર ડો.ફેનિયો બુટલે સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.