‘સ્વચ્છ રહે ભરૂચ બસ સ્ટેન્ડ હમારા, યહી હે સંકલ્પ હમારા’
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત એસટી. વિભાગની પહેલ
ભોલાવ, GNFC, વાગરા એસટી. બસ સ્ટેશન આવરી લેવાયા
એસટી. ડેપોમાં સ્વચ્છતા જાળવવા મુસાફરોને જાગૃત કરાશે
બસ સ્ટેશન તેમજ બસની અંદર ગંદકી નહીં કરવા અનુરોધ
ગુજરાત સરકારના ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ અંતર્ગત ભરૂચના ભોલાવ, GNFC અને વાગરા એસટી. બસ સ્ટેશન તેમજ બસની અંદર ગંદકી નહીં કરવા માટે મુસાફરોને એસટી. વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના એસટી. તંત્ર દ્વારા ગુજરાત સરકારના ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ અંતર્ગત ભરૂચ શહેરના ભોલાવ, GNFC અને વાગરા એસટી. બસ સ્ટેશન અને બસની અંદર મુસાફરો દ્વારા ગંદકી નહીં કરવા અનુરોધ કરવામાં આવે છે. ભરૂચ એસટી. ડેપો મેનેજર વી.આર.છત્રીવાલાએ જણાવ્યુ હતું કે, એસટી. નિગમ મુસાફરીની સેવામાં કાર્યરત છે. ભરૂચ એસટી. ડેપોની સ્વચ્છતા જાળવણી એ આપણી સામુહિક જવાબદારી છે. મુસાફરોને જાગૃત કરવા માટે બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાનના પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા છે, તેમજ એનાઉન્સમેન્ટના માધ્યમથી પણ સ્વચ્છતા જાળવવા બાબતે મુસાફરોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જો બસમાં તેમજ બસ સ્ટેશનના પરિસરમાં ગંદકી કરવી, બસમાં કચરો ફેંકવો, પાન-મસાલાની પિચકારી મારવી જેવી અસ્વચ્છ હરકતો જે કોઈપણ મુસાફર અથવા વ્યક્તિ દ્વારા કરવામાં આવશે તો તેવા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં એસટી. ડેપો ખાતે સ્વચ્છતા જળવાય રહે તે માટે ડસ્ટબીન પણ મુકવામાં આવ્યા છે. જેનો વ્યાપક ઉપયોગ કરવા મુસાફર જનતાને વિનંતી કરવામાં આવી છે. ભરૂચ એસટી. ડેપોની આ પહેલ સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ સર્જવા માટે સરાહનીય પગલું માનવામાં આવી રહી છે.