New Update
/connect-gujarat/media/media_files/2025/05/31/dmqNKACJu1mPbiKC9jAA.jpeg)
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૦૫:૦૦ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો, સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો હાજર રહ્યા હતા.
આ તરફ અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનીટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનીટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની સાંજે પાંચ કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા. અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોચાડી હતી.