ઝઘડીયાના રતનપુર આંગણવાડી કેન્દ્રનું મકાન જર્જરિત
દીવાલો પર તિરાડો, જ્યારે વરસાદનું પાણી પણ ટપકતું
આંગણવાડીના બાળકોને અન્ય કચેરીમાં બેસાડવાની નોબત
જર્જરિત આંગણવાડી કેન્દ્ર મામલે ગ્રામજનોની રજૂઆત
વહેલી તકે આંગણવાડીનું નવું મકાન બનાવી આપવા માંગ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર આંગણવાડી કેન્દ્રનું મકાન અત્યંત જર્જરિત બનતા નવું મકાન બનાવી આપવા ગ્રામજનોએ માંગ કરી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામમાં આંગણવાડી કેન્દ્ર છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં આવી ગયું છે. આંગણવાડી કેન્દ્રની દીવાલો પર તિરાડો પડી ગઇ છે, અને વરસાદનું પાણી પણ છતમાંથી ટપકતું હોય જેથી આંગણવાડી કર્મચારીઓ દ્વારા જર્જરીત મકાનને બંધ કરી બાળકોને પંચાયત ઓફિસના બીજા માળે બેસાડવામાં આવે છે. ગામ તલાટી દ્વારા આંગણવાડીના બાળકો માટે પંચાયતના બીજા માળે એક રૂમ આપવામાં આવ્યો છે, જ્યાં આંગણવાડીની કામગીરી કરવામાં આવે છે. તો બીજી તરફ, આંગણવાડીમાં કામ અર્થે આવતી સગર્ભા મહિલાઓ તેમજ નાના ભૂલકાઓને પણ બીજા માળે ચડવા ઉતરવામાં તકલીફ પડે છે. દાદર ચડતા ઉતરવામાં કોઈક બાળક જો પડી જાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય શકે છે. જેથી વહેલી તકે રતનપુર આંગણવાડી કેન્દ્રનું નવું મકાન બનાવી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.