ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક
નર્મદા ડેમમાં થી 4.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 28 ફુટ પર સ્થિર
જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરાયા
પદાધિકારીઓએ નર્મદા બ્રિજ પર જળ સ્તરનું નિરીક્ષણ કર્યું
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ત્રણ ફૂટ ઉપર 27 ફૂટે પહોંચ્યું હતું, ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરાયા હતા. જોકે, બપોર બાદ નર્મદા નદીનું જળસ્તર 28 ફુટે સ્થિર થતા પાણીએ શહેરના નીચાણવાળા વિસ્તાર ફુર્જા બંદરે પ્રવેશ કર્યો હતો. પરંતુ હાલ જિલ્લાભરમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, ત્યારે ભરૂચના એડિશનલ કલેકટર એન.આર.ધાંધલ, અંકલેશ્વર પ્રાંત અધિકારી ભગીરથસિંહ જાડેજા, અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત સહિતના પદાધિકારીઓએ નર્મદા બ્રિજ પર જળ સ્તરનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ તંત્રના અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યું હતું.