શુકલતિર્થ ગામે ભરાતો કાર્તિકી પૂર્ણિમાનો ભાતીગળ મેળો
આ વર્ષે ભાતીગળ મેળાને કમોસમી વરસાદનું વિધ્ન નળ્યું
ચકડોળ સહિત મનોરંજન પાર્કને તંત્ર દ્વારા મંજૂરી નહીં મળી
દૂર દૂરથી આવેલા વેપારીઓને પડ્યો ભારે આર્થિક ફટકો
આર્થિક સહાય મળે તેવી વેપારીઓને વહીવટી તંત્ર પાસે આશા
ભરૂચ તાલુકાના શુકલતિર્થ ગામ ખાતે ભરતા કાર્તિકી પૂર્ણિમાના ભાતીગળ ધાર્મિક મેળામાં ચકડોળ સહિત મનોરંજન પાર્કને તંત્ર દ્વારા પરવાનગી નહીં મળતા દૂર દૂરથી આવેલા વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે.
ભરૂચ તાલુકાના શુકલતિર્થ ગામ ખાતે નર્મદા તટે વર્ષોથી કાર્તિક અગિયારસથી કાર્તિકી પૂર્ણિમા દરમ્યાન ધાર્મિક મેળો ભરાય છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો નર્મદા સ્નાન તેમજ દેવ દર્શન સાથે મનોરંજનની મજા પણ માણતા હોય છે. જોકે, આ વર્ષે હાલમાં વરસેલા કમોસમી વરસાદથી ખેતી-પાકને પણ નુકસાન થયું છે. તો બીજી તરફ, શુક્લતીર્થ મેળામાં ચકડોળ સહિત મનોરંજ પાર્કની રાઇડને પણ સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા મંજૂરી નહીં મળતા દૂર દૂરથી આવેલા વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે. હરાજીમાં ઊંચી બોલી લગાવી પ્લોટ મેળવનાર વેપારીઓના ચહેરાના નૂર ઉડી ગયા છે, જ્યારે મેળાના અંતિમ દિવસે વેપારીઓ પાસે પરત વતન જવા માટે પણ મુશ્કેલરૂપ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે આર્થિક સહાય મળે તેવી વેપારીઓ આશા રાખીને બેઠા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્લતીર્થના પૌરાણિક મેળામાં દર વર્ષે ભારતભરના ખુણે ખુણેથી લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. પરંતુ આ વર્ષે આ મેળાની રોનક કમોસમી વરસાદના કારણે ફીકી રહી હોય તેમ લાગી રહ્યું છે.