New Update
/connect-gujarat/media/media_files/2026/01/06/images-2026-01-06-11-05-24.jpeg)
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સમાજના જાણીતા નેતા મહેશ વસાવા હવે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. દાહોદ ખાતે યોજાનાર કોંગ્રેસના વિશેષ સમારોહમાં તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. તેમના આ નિર્ણયથી રાજ્યના આદિવાસી રાજકારણમાં નોંધપાત્ર હલચલ જોવા મળી રહી છે.મહેશ વસાવાની રાજકીય યાત્રા પર નજર કરીએ તો તેઓ પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) સાથે જોડાયેલા હતા. બાદમાં ભાજપમાં જોડાયા હતા, પરંતુ ત્યાં તેમને અપેક્ષિત મહત્વપૂર્ણ સ્થાન ન મળતાં તેઓ નારાજ હતા. બીજી તરફ BTPનું રાજકીય પ્રભાવ ઘટતું જતા, અંતે મહેશ વસાવાએ કોંગ્રેસનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે.
મહેશ વસાવા આવનાર વિધાનસભા ચૂંટણીમાં ઝઘડિયા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ઉમેદવારી કરી શકે છે તેવી પણ ચર્ચા છે. જો આવું થાય તો ઝઘડિયા બેઠક પર ત્રિકોણીય અથવા ચોરસિયો જંગ જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા આદિવાસીઓના દિગગજ નેતા અને BTPના સ્થાપક છોટુ વસાવાના પુત્ર છે. પિતાની અલગ રાજકીય વિચારધારા હોવા છતાં પુત્ર દ્વારા કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લેવાતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રીથી નર્મદા, ભરુચ અને આસપાસના આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસને મજબૂતી મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે ભાજપ અને BTP માટે આ રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.
Latest Stories