સૂર્ય દેવ પ્રત્યે અપાર શ્રદ્ધા-આસ્થા વ્યક્ત કરવાનો પર્વ
છઠ્ઠ પૂજાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી
ઝાડેશ્વર નીલકંઠેશ્વર ઓવારે વિધિવત છઠ પૂજન કરાયું
અંકલેશ્વર GIDC સહિતના વિસ્તારોમાં પણ છઠની પુજા
મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય પરિવારના લોકો જોડાયા
ભરૂચ તથા અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય પરિવાર દ્વારા હર્ષોઉઉલ્લાસ સાથે છઠ્ઠ મહાપર્વ-2025’ની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ઔધોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલાં ભરૂચ જિલ્લામાં દેશના જુદા-જુદા પ્રાંતથી આવેલાં હજારો લોકો સ્થાયી થયા છે. રોજગાર માટે ભરૂચ જિલ્લાને કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારોની રંગેચંગે ઉજવણી કરતાં હોવાથી જિલ્લામાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વની ઉજવણી બાદ છઠ મહાપર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે નર્મદા નદીના ઓવારે દિનકર સેવા સમિતિ દ્વારા છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિનકર સેવા સમિતિના આગેવાનો, સભ્ય સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉત્તર ભારતીય પરિવારોએ છઠ પુજાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.
તો બીજી તરફ, અંકલેશ્વરમાં દિવાળી પર્વની ઉજવણી બાદ છઠ પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર ભારતમાં કારતક સુદ છઠ્ઠના રોજ છઠ્ઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સૂર્ય દેવ પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરવાના મહાપર્વ છઠ પુજા નિમિત્તે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ નહેર સહિતના વિવિધ વિસ્તારોમાં હર્ષોઉઉલ્લાસ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં છઠ્ઠ મહોત્સવના આયોજક એલ.બી.પાંડે સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય પરિવારો જોડાયા હતા.