/connect-gujarat/media/media_files/2025/09/06/mixcollage-06-sep-2025-08-44-pm-3423-2025-09-06-20-45-47.jpg)
ભાદરવી સુદ ૧૪ અનંત ચતુર્દશીના પાવન અવસરે આજે સમગ્ર હાલોલ પંથકમાં છેલ્લા દશ દશ દિવસથી ભક્તજનોનું આતિથ્ય માણી રહેલા મોંઘેરા મહેમાન એવા ભગવાન શ્રી ગણેશજીનું ભવ્ય વિસર્જન આજે હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં ભારે ઉત્સાહ ઉમંગ અને આનંદભર્યા વાતાવરણમાં રંગે ચંગે ધાર્મિક વાતાવરણમાં યોજાયું હતું. જેમાં આજે હાલોલ નગર ખાતે તેમજ તાલુકા પંથકના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગણપતિ વિસર્જનની યાત્રાના તમામ મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા હતા
જેમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે આ વર્ષે પણ હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં કુદરતી સૌંદર્યના ખોળે બિરાજતા ઐતિહાસિક વડા તળાવ ખાતે હાલોલ નગર સહિત તાલુકા પંથકની મોટી સંખ્યામાં નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે હાલોલ શહેરની બહાર પાવાગઢ રોડ પર આવેલ સિંધવાઈ માતાના મંદિર ખાતે આવેલ સિંધવાઈ તળાવ ખાતે પણ હાલોલ નગરની નાની નાની અને મધ્યમ કદની શ્રીજીની પ્રતિમાઓનું વાજતે ગાજતે ભારે ધાર્મિક વાતાવરણમાં પુંજાપાઠ સાથે વિસર્જન કરાયું હતું. જેમાં આજે સવારથી લઈને મોડી સાંજ સુધી હાલોલ નગરના રાજમાર્ગો પર ગણેશ વિસર્જનની અનેક શોભાયાત્રા યોજાઈ હતી
જેમાં વાજતે ગાજતે ડી.જે.ના સુર તાલે તેમજ બેન્ડમાંથી રેલાતા ગણેશજીના ગીતો સાથે ભક્તજનો નાચતા ગાતા અને ગરબાની રમઝટ વચ્ચે આગલા વર્ષે જલ્દી આવવાના વાયદા સાથે શ્રીજીને ભાવભીની વિદાય આપી ગણેશજીનું વિસર્જન કર્યું હતું. જેમાં આજે ગણેશ વિસર્જનના પર્વને અનુલક્ષીને વહીવટી તંત્રની તમામ પાંખના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ખડે પગે સેવાઓ બજાવવામાં આવી હતી. જેમાં હાલોલ શહેર અને તાલુકા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર હાલોલ નગર સહિત તાલુકામાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. જ્યારે યાત્રાધામ પાવાગઢના વડા તળાવ ખાતે પાવાગઢ પોલીસ દ્વારા પણ વિસર્જન માટે આવતા ભક્તોની સુરક્ષા સલામતી માટેની તમામ તૈયારીઓ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે વડા તળાવ ખાતે વિસર્જન માટે તમામ સુચારું આયોજન અને વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જેમાં વિશાળ અત્યાધુનિક ક્રેનની પણ વ્યવસ્થા કરાઈ હતી. ક્રેનના માધ્યમથી મોટા કદની અને મધ્યમ કદની પ્રતિમાઓનું વડા તળાવમાં વિસર્જન કરાતું હતું. જયારે હોડી દ્વારા નાની નાની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. જેમાં વડા તળાવ ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, હાલોલ પ્રાંત અધિકારી , હાલોલ મામલતદાર હાલોલ નગરપાલિકા પ્રમુખ સહિત પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક હોદેદારો તેમજ લાગતા વળગતા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશ વિસર્જનની કામગીરીની સમીક્ષા કરી હતી.