ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના આંકલવા ગામની સરકારી પ્રાથમિક શાળા એ આંતરરાષ્ટ્રીય ગ્રીન શાળાનો એવોર્ડ મેળવીને આંકલાવ ગામને રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું છે. આંકલાવ ગામનું પાણી ખારું હોવા છતાં સરકારી શાળામાં ગ્રીનરી વિકસાવાનંી કપરું કામ શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓએ કરી બતાવ્યુ છે.
ગત તા. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના છેવાડાના ગામની એવી સરકારી પ્રાથમિક શાળા છે કે, જ્યાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરી હરિયાળી શાળા બનાવી છે. આ સાથે જ અન્ય લોકો માટે આ શાળા પ્રેરણારૂપ બની છે. જોકે, સામાન્ય રીતે સમુદ્ર નજીક હોય ત્યાં પાણીના તળ ક્ષારયુક્ત હોય છે, અને આ પ્રકારના ક્ષારયુક્ત પાણીમાં નજરને ઠારે એવી ગ્રીન વનસ્પતિ ઉગતી હોતી નથી. પરંતુ આંકલવા ગામની પ્રાથમિક શાળામાં સુંદર વાતાવરણને ઠંડક આપતી મનમોહક ફૂલ-ઝાડની શ્રુંખલા ઉગાડવામાં આવી છે. જેનું રહસ્ય શાળામાં બનાવવામાં આવેલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે.
જોકે, આંકલવા ગામના નાગરિકોનું પણ યોગદાન મોટું છે. ગામના ખેડૂતો શેરડી પકાવીને પંડવાઈ સહકારી સુગર ફેક્ટરીમાં મોકલતા હોય છે. હજારો ટન શેરડીના ટન દીઠ એક રૂપિયો કાપીને સીધો આંકલવા પ્રાથમિક શાળાના બેન્ક એકાઉન્ટમાં શાળાના વિકાસ માટે દાન આપે છે. આંકલવા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ભણવા સાથે શાળાને વિકસાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તો ગ્રામજનો પણ આર્થિક રીતે શાળાને વિકસાવવા માટે પોતાનો ફાળો આપી રહ્યા છે, ત્યારે આંકલાવ ગામની સરકારી પ્રાથમિક શાળાએ આંતર રાષ્ટ્રીય ગ્રીન શાળાનો એવોર્ડ મેળવીને આંકલાવ ગામને રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું છે.