પોષણયુક્ત આહાર પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ
માઁ શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ
ભૂલકાં મેળો-2025 તેમજ પોષણ ઉત્સવ-2025નું આયોજન
મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાય
નાના ભૂલકાઓ દ્વારા પણ વિવિધ સુંદર કાર્યક્રમો રજૂ કરાયા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉનહોલ ખાતે ભૂલકાં મેળો-2025 તેમજ પોષણ ઉત્સવ-2025 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત વિભાગીય નાયબ નિયામકની કચેરી સુરત ઝોન તેમજ ભરૂચ જિલ્લા પંચાયત ICDS શાખા-ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા તથા સુરત ઝોન કક્ષાનો ભૂલકા મેળો-2025 અને સુરત ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ-2025 અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન અંકલેશ્વરના માઁ શારદા ભવન ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં બાળશક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ તેમજ મિલેટ (અન્ન) માંથી બનાવેલી પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે જ નાના ભૂલકાઓએ બાળગીત, દેશભક્તિ ગીત, ફેમિલી થીમ ડાન્સ, પપેટ શો અને એકપાત્ર અભિનય જેવા સુંદર કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ ICDS વિભાગના લાભાર્થીઓ તથા છેવાડાના લોકોમાં પોષણયુક્ત આહાર પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. THR અને મિલેટ વાનગીઓના પોષણ મૂલ્ય અંગે સમજ કેળવી તેના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલીતા રાજપુરોહિત, અંકલેશ્વર મામલતદાર કિરણસિંહ રાજપુત સહિતના પદાધિકારીઓ તેમજ આમંત્રિત મહેમાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.