મધ્યપ્રદેશ ખાતે 52મુ રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
ઝઘડિયા-નવા ટોઠીદરા ગામની પ્રાથમિક શાળાને સ્થાન મળ્યું
શાળાના માર્ગદર્શક શિક્ષક અને બાળ વૈજ્ઞાનિકોનો ઉત્કૃષ્ટ દેખાવ
2 અલગ અલગ કૃતિ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની
મધ્યપ્રદેશ ખાતે ગુજરાત સહિત ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું
મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આયોજિત 52માં રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની નવા ટોઠીદરા પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષક અને બાળ વૈજ્ઞાનિકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગુજરાત સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ સ્થિત પ્રાદેશિક શૈક્ષણિક સંસ્થા ખાતે તા. 18થી 23 નવેમ્બર-2025’ સુધી 52માં રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાંથી બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિ લઈને પ્રદર્શનમાં ભાગ લેવા પહોચ્યા હતા, જ્યાં ગુજરાતમાંથી 8 શાળાઓની કૃતિઓને આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સ્થાન મળ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની નવા ટોઠીદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં લાઇટના થાંભલા પર કરંટ ઉતરતો હોય તો લોકોને લાઇટ અને અવાજ વડે જાણ થઈ જાય, જેથી લોકો તે થાંભલાથી દૂર રહે અને પોતાનો જીવ બચાવી શકે છે, જ્યારે અન્ય પોલ પર GPS સિસ્ટમ લગાડવામાં આવી હતી. જેમાં થાંભલો તૂટે તો તેની જાણ વીજ નિગમને તુરંત જ મેસેજ અને લોકેશન દ્વારા મળી જાય છે. જેથી કર્મચારી ઝડપથી સ્થળ પર પહોંચી રિપેરિંગ કરી શકે છે.
આ બન્ને કૃતિ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. નવા ટોઠીદરા પ્રાથમિક શાળા માર્ગદર્શક શિક્ષક ઉર્વેશ પટેલ તથા વિદ્યાર્થી ભાવિક માછી અને જૈનિલ પટેલએ ભોપાલ ખાતે આયોજિત રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભરૂચ જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.