/connect-gujarat/media/media_files/2025/09/20/1758378036_new-project-1-2025-09-20-21-11-37.jpg)
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે મેચમાં ઇતિહાસ રચ્યો છે.
મંધાનાએ માત્ર 50 બોલમાં સદી ફટકારીને વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની છે. આ સિદ્ધિ સાથે, તેણે 12 વર્ષ જૂનો ભારતીય દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 52 બોલમાં સદી ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ સામેની ત્રીજી વનડેમાં, ભારતીય મહિલા ટીમને 413 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો હતો. આ લક્ષ્યાંકનો પીછો કરતાં સ્મૃતિ મંધાનાએ આક્રમક બેટિંગ કરી અને માત્ર 50 બોલમાં પોતાની સદી પૂરી કરીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું. અગાઉ, આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો, જેણે 2013માં ઓસ્ટ્રેલિયા સામે માત્ર 52 બોલમાં સદી ફટકારી હતી. મંધાનાની આ શાનદાર ઇનિંગે આ રેકોર્ડને તોડી નાખ્યો અને તેને ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક ખાસ સ્થાન અપાવ્યું.
આ મેચમાં મંધાનાએ પોતાની સદી સુધી પહોંચવા માટે 14 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. સદી બાદ પણ તે આક્રમક રહી અને આખરે 63 બોલમાં 17 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 125 રન બનાવીને આઉટ થઈ. આ પહેલા, તેણીએ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં પણ 91 બોલમાં 117 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. પોતાની આ તોફાની સદી સાથે સ્મૃતિ મહિલા વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજી મહિલા બેટ્સમેન પણ બની છે. આ યાદીમાં પ્રથમ સ્થાને ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ છે, જેણે 2012માં ન્યૂઝીલેન્ડ સામે 45 બોલમાં સદી ફટકારી હતી.