સમગ્ર દેશમાં આજે વિશ્વ મધર્સ ડેની ઉજવણી
નારી શક્તિના માન અને સન્માનનો દિવસ.
PSI વૈશાલી આહિરના માતાની અનોખી કહાની
અનેક કષ્ટ વેઠી બાળકોના જીવનનું ઘડતર કર્યું
આજે વિશ્વ મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં મહિલા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વૈશાલી આહિર તેઓએ લગ્ન નથી કર્યા પણ તેમની માતા જ તેમના સાચા હીરો છે.ત્યારે આવો જાણીએ PSI વૈશાલી આહિરના માતાની અનોખી કહાની.
ભરૂચના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI વૈશાલી આહિર દેવભુમિ દ્વારકા જિલ્લાના દાત્રાણા ગામના મુળ વતની છે.માત્ર અઢી વર્ષની ઉમરના હતા ત્યારે તેમના પિતા અળસીભાઈની ચીખલી નજીક હત્યા કરી દેવામાં આવી હતી.પિતાની હત્યા બાદ માતા રાધાબેનના શિરે પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી હતી.તેઓ બે બહેનો અને એક ભાઈ છે.માતાએ સખત પરિશ્રમ કરી વ્યાજે રૂપિયા લઈ પેટે પાટા બાંધીને પણ ત્રણેય ભાઈ-બહેનને ભણાવ્યાં હતાં.માતાએ જ ત્રણેયને માતા અને પિતા બંનેનો સ્નેહ અને ફૂંક આપી હતી.
જ્યારે રાત્રે વ્યાજવાળા તેમના ઘરે રૂપિયા લેવા આવતા અને અપશબ્દો બોલતા તે સમયે એક ગંગાસ્વરૂપ મહિલાના સંઘર્ષને પોતાની આંખે જોયો બાદ જીવનમાં કંઈક બનવાના મક્કમ નિર્ણય સાથે પોલીસમાં ભરતી થવાની અદમ્ય ઇચ્છા હતી પણ તેમને શિક્ષકની નોકરી મળી હતી. 2016-17માં પીએસઆઈની પરીક્ષા સારા રેન્ક સાથે પાસ કરી હતી.પ્રથમ જામનગર જિલ્લામાં ફરજ બજાવી અને હાલ ભરૂચ જિલ્લામાં ફરજ બજાવી રહ્યાં છે.
આજે તેમના માતા રાધાબેન આ દુનિયામાં હયાત નથી પણ તેમના સ્મરણો આજે પણ તેમની સાથે છે.માતાની અધુરી ઇચ્છાઓ અને તેમની સેવાકીય પ્રવૃતિને વૈશાલીબેને ચાલુ રાખી છે.માતાને પશુઓ પ્રત્યે અપાર પ્રેમના કારણે વૈશાલીબેન અવારનવાર પાંજરાપોળ ખાતે પહોંચીને ગાયને ઘાસ ખવડાવતાં રહે છે.
વૈશાલી આહિરે તેમના જમણા હાથમાં માતા રાધાબેનનું ટેટૂ અને ડાબા હાથમાં રાધે મા લખાવ્યું છે.આજે માતૃત્વ દિવસના અવસરે વૈશાલીબેને પોતાની માતાને હ્રદયપૂર્વક નમન કરી સમાજ સામે એક ઉમદા ઉદાહરણ પેશ કર્યું છે કે કેવી રીતે એક માતાનું સપનું દીકરીના માધ્યમથી પૂરું થઈ શકે છે.ત્યારે આજના ખરા ભાવ સાથે વૈશાલી આહિર પોતાની માતાને માતૃત્વ દિવસ નિમિત્તે ખરા દિલથી સત સત વંદન કરે છે.