ભરૂચ જિલ્લામાં ફક્ત બે કલાક વરસેલા મુશળધાર વરસાદે અંકલેશ્વરમાં હાહાકાર મચાવ્યો.
ખાસ કરીને અંકલેશ્વર પાલિકા પ્રમુખના વોર્ડમાં કમરસમા પાણી ભરાતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા. વર્ષોથી ચાલી આવતી સમસ્યાને લઈ પાલિકાની ઉદાસીનતા સામે આવી છે.
પાલિકા પ્રમુખ અને સત્તાધીશો પરિસ્થિતિ જોવા સુધી પણ નથી પહોંચ્યા, જેનાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.આકાશી દ્રશ્યોમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળ્યો. બીજી તરફ, ભારે વરસાદને કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિવંગત અહેમદ પટેલના ગામ પીરામણથી NH-48ને જોડતો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો. આમલાખાડીમાં પાણી ફરી વળતા મુખ્ય માર્ગ અને ગામ તરફ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો.ઉદ્યોગિક નગરી અંકલેશ્વરની પાનોલી GIDC અને અંકલેશ્વર GIDCનું પાણી આમલાખાડીમાં વળતા પરિસ્થિતિ ગંભીર બની. આમલાખાડીના બંને કાંઠે પાણીની સપાટી 2 ફૂટથી વધુ વધી ગઈ અને ઓવરફલોના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા.