ખંભાળિયા શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો
ઘર આંગણામાં રમતી 2 વર્ષીય બાળકી પર શ્વાનનો હુમલો
બાળકીને ગળા, ચહેરાના ભાગે શ્વાને ભર્યા કરપીણ બચકા
પૌત્રીને બચાવવા વચ્ચે પડેલા દાદા પર પણ શ્વાનનો હુમલો
સ્થાનિકોમાં નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરના બંગલાવાડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. જેમાં દાદા-પૌત્રી ઉપર શ્વાન’એ જીવલેણ હુમલો કરતાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરના બંગલાવાડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. ઘરના આંગણામાં નિર્દોષ ભાવે રમી રહેલી 2 વર્ષીય માસૂમ બાળકી હિરલ પર એકાએક શ્વાને હુમલો કરી તેને ગંભીર રીતે ફાડી ખાધી હતી. શ્વાને બાળકીના સંવેદનશીલ અંગો જેવા કે માથા, ગળા અને ચહેરાના ભાગે કરપીણ બચકા ભરતા બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી. પૌત્રીની ચીસો સાંભળી તેને બચાવવા વચ્ચે પડેલા દાદા ઉપર પણ શ્વાને હુમલો કર્યો હતો, અને તેમને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ લોહિયાળ ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને ઈજાગ્રસ્ત દાદા-પૌત્રીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ માસૂમ હિરલના ચહેરા ઉપર અંદાજે 9 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. આ બનાવના પગલે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે, તંત્ર જાગે અને આવા હિંસક શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ લોકોને અપાવે.