/connect-gujarat/media/post_banners/2ebd5c20c08d20964b8e0e6470174a20114cd80fb18815e142693bdc5ee23997.jpg)
સનાતન ધર્મમાં અલગ અલગ દાનનું અનેરું મહત્વ રહેલું છે. જેમાં કીડીયારું પુરવાનો અનેરો મહિમા રહેલો છે. કીડીને કણ અને હાથીને મણ કહેવતથી વિપરિત હાથીને તો મણ છે. પરંતુ કીડીને પણ મણ આપી તેવો સેવાયજ્ઞ ભાવનગરના ત્રંબક ગામના લોકો કરી રહ્યા છે.
ભાવનગર જિલ્લામાં છેલ્લા 15 વર્ષથી કોઈપણ સ્વાર્થ વગર નાના જીવ માટે અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. કીડીઓ ખાઈ શકે તે માટે માળનાથ નજીક આવેલા ત્રંબક ગામ ખાતે ગામની બહેનો દ્વારા છેલ્લા 15 દિવસમાં 310 મણ કીડીયારું તૈયાર કરાયું છે. આ મણ કીડીયારું આગામી દિવસોમાં માળનાથના ડુંગરો પર પુરવામાં આવશે. જેની શરૂઆત 10 મણ કીડીયારુંથી કરી હતી, પરંતુ આજે ભાવનગર ડાયમંડ માર્કેટના સહયોગથી 310 મણ કીડીયારું તૈયાર કરાયું છે. શરૂઆતમાં અલગ-અલગ જગ્યાએ તેમના દ્વારા કીડીયારું પુરવાની પ્રવૃત્તિ ચાલતી હતી. પરંતુ છેલ્લા 7 વર્ષથી ઘોઘા તાલુકાના માળનાથના ડુંગર નજીક આવેલા ત્રંબક ગામમાં આવેલી બાપા સીતારામની મઢુલી ખાતે ગામમાં સારી ગુણવત્તાના ઘઉં, ગોળ અને દેશી ઘી જેવી સામગ્રી એકઠી કરી કીડીયારું બનાવવામાં આવે છે.
ભાવનગર ત્રંબક ગામના બહેનો નાના જીવ માટે જે સેવા કરી રહ્યા છે. તે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. ગયા વર્ષે ત્રંબક ગામના બહેનો દ્વારા 262 મણ કીડીયારું તૈયાર કરાયું હતું, જ્યારે આ વર્ષે 310 મણ કીડીયારું તૈયાર કરાયું છે. જેના માટે 200 મણ ઘઉં, 100 મણ ગોળ અને 200 કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કિડીયારું બનાવવામાં સૌથી મોટો સહયોગ ત્રંબક ગામની બહેનોનો રહ્યો છે. જેમણે છેલ્લા 15 દિવસમાં આ કિડીયારું તૈયાર કર્યું છે. આ કીડીયારું માળનાથના ડુંગરોમાં પુરવામાં આવશે, અને બાકીનું કીડીયારું 5 હજાર નંગ શ્રીફળમાં ભરીને માળનાથના ડુંગરોમાં મુકવામાં આવનાર છે.