Connect Gujarat
ગુજરાત

ભાવનગર : લાખણકા નજીક જર્જરિત પુલ પરથી ઘઉંનું થ્રેશર મશીન 20 ફૂટ નીચે ખાબક્યું, પંજાબના 3 શ્રમિકોના મોત...

X

ઘોઘા તાલુકાના લાખણકા ગામ નજીક ડેમ સામેની ઘટના

જર્જરિત પુલ પરથી ઘઉંનું થ્રેશર મશીન પાણીમાં ખાબક્યું

ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાય દુર્ઘટના

અકસ્માતમાં પંજાબના 3 યુવાનોના ઘટનાસ્થળે મોત થયા

મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાખણકા ગામના ડેમ સામે જર્જરિત પુલ પરથી ઘઉંનું થ્રેશર પાણીમાં પડતા પંજાબના 3 યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા.

હાલ રાજ્યની સાથોસાથ ભાવનગર જિલ્લામાં પણ રવિ સિઝનના રોકડીયા પાક ઘઉંના કટીંગની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. દર વર્ષે આ સિઝન શરૂ થાય તે પહેલા જ હરિયાણા, પંજાબ સહિતના પ્રાંતથી અદ્યતન થ્રેશર એટલે કે, ઘઉં કાઢવા માટેના મશીન સાથે મોટી સંખ્યામાં પરપ્રાંતીયો પેટીયું રળવા ભાવનગરના ગોહિલવાડમાં પડાવ નાંખે છે. એકથી બે મહિના સુધી ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકાના ગામડાઓમાં ફરી ઘઉં કાઢી આપવાનું કામ રાખી રોજીરોટી રળે છે, ત્યારે પંજાબથી તાજેતરમાં થ્રેશર મશીન સાથે એક કાફલો ઘોઘાના ગામડાઓમાં ફરી રહ્યો છે. તેવામાં લાખણકા ગામના ડેમ સામે જર્જરિત પુલ પરથી ઘઉંનું થ્રેશર પાણીમાં પડતા પંજાબના 3 યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા થ્રેશર મશીન નાળા પરથી 20 ફૂટ નીચે ખાબક્યું હતું. જેને લઇ તેમાં રહેલા ત્રણ શ્રમિકો નીચે દબાઈ જવાથી તેઓના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. ત્રણેય શ્રમિકો પંજાબના બાદલસિંહ, જગપાલસિંહ અને મંગાસિંગ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story