Connect Gujarat
ગુજરાત

ભાવનગર : નેસવડ પ્રાથમિક શાળામાંથી પ્રશ્નપત્રોની ચોરીમાં મોટો ખુલાસો, 2 કિશોરોએ ઘટનાને આપ્યો અંજામ..!

પ્રાથમિક શાળામાંથી કોઈ અજાણી વ્યક્તિએ શાળામાં પ્રવેશ કરી આચાર્યની ઓફીસમાં રહેલા કબાટમાંથી પ્રશ્નપત્રોની ચોરી કરતા ચકચાર મચી

X

ગત રાત્રીના સમયે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામની પ્રાથમિક શાળામાંથી કોઈ અજાણી વ્યક્તિએ શાળામાં પ્રવેશ કરી આચાર્યની ઓફીસમાં રહેલા કબાટમાંથી પ્રશ્નપત્રોની ચોરી કરતા ચકચાર મચી હતી. આ સમગ્ર બાબત આચાર્યને ધ્યાને આવતા તાકીદે પોલીસ અને રાજ્યના શિક્ષણ વિભાગને જાણ કરી હતી, જેના પગલે પોલીસે આ બનાવમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે શિક્ષણ વિભાગે રાજ્યભરમાં ધો. 7ના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા મોકૂફ રાખી સોમવારે ફરી પરીક્ષા લેવાનો આદેશ કર્યો છે.

નેસવડ પ્રાથમિક શાળાના રૂમના તાળા તોડી કબાટમાં રાખેલ ધોરણ 7 અને ધોરણ 8ના પ્રશ્નપત્ર ચોરાયાની ઘટનાને પગલે ભારે ચકચાર મચી છે. જેને પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. આ મામલો પોલીસ મથકે પહોંચતા મોડી રાત્રે શાળાનાં આચાર્ય દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવના પગલે એલસીબી, એસઓજી અને ડોગ સ્કવોર્ડ સહિતનો પોલીસ કાફલો શાળાએ દોડી ગયો હતો. આ બનાવમાં ચોરી કરવા પાછળ કોણ અને તેનો ઈરાદો શુ છે તે હજુ તપાસનો વિષય છે, જ્યારે ધો-6 અને 7 બન્નેમાં સરકારના નિયમ મુજબ પરિક્ષાર્થીઓને પાસ કરી દેવાના હોય છે. તો શા માટે પ્રશ્નપત્રની ચોરી કરવામાં આવી તેવો પણ સવાલ ઉઠવા પામ્યો છે.

જોકે, ભૂતકાળમાં યોજાયેલ અનેક પેપર અને પરિક્ષા કૌભાડમાં ભાવનગરનું નામ ઉછળતુ રહ્યુ છે, ત્યારે વધુ એકવાર ભાવનગર જિલ્લામાં એક પ્રાથમિક શાળામાંથી પેપરની ચોરી સામે આવી છે. જેને લઈ શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે, જયારે પોલીસે 3 શંકાસ્પદ વિદ્યાર્થીઓની પણ આ મામલે પૂછપરછ હાથ ધરી છે. નેસવડ પ્રાથમિક શાળામાં પેપર ચોરીની ઘટનાને લઇ ASP સફિન હસને જણાવ્યું હતું કે, કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરો દ્વારા પેપર ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, ત્યારે હાલ તો આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story