Connect Gujarat
ગુજરાત

ભાવનગર: બર્થ ડે પાર્ટીમાં મિત્રએ જ મિત્રની છરીના 33 ઘા ઝીંકી કરી હત્યા

ભાવનગરમાં હત્યાનો બનાવ, મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો. જન્મ દિવસે જ યુવાનની કરાય હત્યા.

X

ભાવનગરમાં યુવાનની તેના જન્મ દિવસે જ હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસે યુવાનના મિત્રની ધરપકડ કરી છે. જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી એ દરમ્યાન આ ખૂની ખેલ ખેલાયો હતો.

ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ગોપાલ ઉર્ફ ડોંગર રાઠોડનો રવિવારે જન્મ દિવસ હોય ખારગેટ નજીક શેરીમાં આવેલા પોતાના જૂના મકાનમા 10 થી 12 મિત્રો સાથે ગોપાલે પાર્ટીનું આયોજન કર્યું હતું.તમામ મિત્રો પાર્ટી કરી રહ્યા હતા તે દરમ્યાન શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા વિશાલ ગોહેલ નામના મિત્ર સાથે કોઈ વાતે ઝઘડો થયો હતો. જે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં વિશાલે ઉશ્કેરાઈ જઈને ગોપાલ પર હુમલો કરી દીધો હતો અને તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા ગોપાલનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ.

વિશાલે ગોપાલના શરીર પર છરીના આડેધડ 33 જેટલા ઘા ઝીંક્યાં હતા. હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ વિશાલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મરણજનાર અને આરોપીઓ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા, શહેરના અન્ય પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ અનેક ગુન્હા નોંધાયેલા છે.

Next Story