ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની ધૂમ ચર્ચાઓ દેશમાં ચાલી રહી છે. ત્યારે ગુરુવારે ભાવનગર જિલ્લામાં વલ્લભીપુરના તોતણીયાળા ગામ ખાતે એક પશુપાલકની ગાયનું વધતી ઉંમરના કારણે નિધન થતા ગામમાં શોક વ્યાપી ગયો હતો. ગામમાં કામધેનુનું ઉપનામ પામેલી ગાયના રક્ષક એવા અજીતસિંહ અમરસિંહ મોરીના પરિવારે ઢોલ-શરણાઈના સુર સાથે ગૌમાતાની અંતિમયાત્રા પ્રયોજી હતી.
અજીતસિંહ અમરસિંહ મોરીએ એક દાયકા કરતા વધુ સમયથી એક ગાયના સૌરક્ષક હતા. પરિવારના સભ્યની સાથે હળીમળી ગયેલી ગાય છેલ્લા 10 વર્ષોથી વિયાંણી ન હોવા છતાં નિયમિત પણે દૂધ આપતી હોવાથી ગામમાં આ ગાય કામધેનુના ઉપનામે ખ્યાતિ પ્રાપ્ત હતી. વધતી વયને લઈને ગુરુવારે આ કામધેનુએ દેહ ત્યાગ કરતા ગામમાં શોક વ્યાપી ગયો હતો. સ્વજનની અંતિમયાત્રાની માફક જ ગાયની અંતિમયાત્રા ગામમાં ફેરવવામાં આવી હતી. ત્યાર બાદ શાસ્ત્રોકત વિધિથી ગાયને સમાધિસ્થ કરવામાં આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.