Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ગર્ભસ્થ શિશુનું જાતીય પરીક્ષણ કરતાં તબીબનું સ્ટીંગ ઓપરેશન, આરોગ્ય વિભાગને મળી મોટી સફળતા...

X

ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભસ્થ શિશુઓનું જાતિય પરીક્ષણ કરતા તબીબને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી ઝડપી લેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીને વ્યાપક ફરિયાદો મળી હતી કે, શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ અંકિત મેટરનીટી હોમમાં તબીબ ડો. પંકજ દોશી નાણાં વસુલી ગર્ભસ્થ શીશુનું જાતિય પરીક્ષણ કરે છે. જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગના ડો. ચંન્દ્રમણી તથા અન્ય અધિકારીઓએ અંકિત મેટરનીટી હોમમાં સિહોરની સગર્ભા મહિલાને ડમી ગ્રાહક તરીકે મોકલી હતી, જ્યાં મહિલાની પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરે સગર્ભા મહિલાને ગર્ભસ્થ શિશુની જાતિ જાણવા રૂપિયા 15 હજારની માંગ કરી હતી. જેમાં સ્ટિંગ ઓપરેશન મુજબ અધિકારીઓએ આ મહિલાને રૂપિયા 15 હજાર આપ્યા હતા, આ નાણાં ડોક્ટરે લઈ સોનોગ્રાફી મશીનમાં મહિલાના ગર્ભમાં રહેલ શિશુની જાતિનું પરીક્ષણ કર્યું હતું.

સમગ્ર ટ્રેપ આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓની ગોપનીય હાજરી વચ્ચે થતાં અધિકારીઓએ ડોક્ટરને શિશુનું જાતિય પરીક્ષણ કરતાં રંગે હાથ ઝડપી લીધો હતો. ત્યારબાદ ડો. પંકજ દોશી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે બનાવના પગલે છાનેખૂણે જાતિય પરીક્ષણનો વેપલો ચલાવતા અન્ય શખ્સોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Next Story