ભાવનગર : પાલીતાણાનાં શેત્રુંજી ડેમમાં ન્હાવા પડેલ બે યુવક ડૂબ્યા

પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે ગઈકાલના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં દરબાર ચોક પાછળ જામવાળી દરવાજા પાસે રહેતા ત્રણ યુવાનો શેત્રુંજી ડેમ ખાતે નાહવા માટે ગયા હતા

New Update

પાલીતાણાનાં શેત્રુંજી ડેમમાં ગઈ કાલે સાંજના સમયે નાહવા ગયેલ બે યુવકો ડૂબ્યા હોવાના સમાચાર મળ્યા હતા પાલીતાણાના અગ્રણીઓ અને સ્થાનીક તરવૈયા દ્વારા બન્ને યુવાનની ડેમમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આજે સવારે એક યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો જ્યારે ડૂબેલાઓની શોધખોળ કરવામાં આવી હતી.

પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે ગઈકાલના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં દરબાર ચોક પાછળ જામવાળી દરવાજા પાસે રહેતા ત્રણ યુવાનો શેત્રુંજી ડેમ ખાતે નાહવા માટે ગયા હતા અને રાત્રી દરમિયાન ઘરે ન આવતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મળતી વિગત મુજબ શેત્રુંજી ડેમમાં નહાવા માટે ગયેલ આ ત્રણેય પૈકી બે યુવાનોમાં પાણીમાં ડૂબ્યા હતા જેની શેત્રુંજી ડેમ અધિકારીને જાણ થતા તેઓ દ્વારા તાત્કાલિક તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેને લઇને ફાયર વિભાગ સહિત મામલતદાર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અને તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા પૂરી રાત શોધખોળ કરવામાં આવી હતી.

ત્યારે વહેલી સવારના શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ હાથ લાગતા બહાર કાઢવામાં આવ્યો હતો. યુવકનું નામ અબડા સકલેન સદિકભાઈ ઉં,વર્ષ ૧૭ હોવાનું માલૂમ પડ્યું હતું. મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી અંતિમ વિધિ માટે મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો. વધુ એક યુવાન ડૂબ્યો હોવાની આશંકાએ તરવૈયાઓ અને ફાયર વિભાગની ટિમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સેફ્ટી વગર જીવને જીખમમાં મૂકી કોઈપણ મજા મોતની સજા બની શકે છે. જેથી યુવાનોએ કોઈપણ પ્રકારના આવા કૃત્યથી બચવું જોઈએ.

Latest Stories