ભાવનગરની શામળદાસ આર્ટ્સ કૉલેજના ઈતિહાસ વિભાગના વિદ્યાર્થીઓ “હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ” અંતર્ગત દર શનિવારે ભાવનગરના ઐતિહાસિક સ્મારકો, સ્થળો, સાંસ્કૃતિક વારસાનો પરિચય, પ્રચાર અને સંરક્ષણનાં ઉપાય અર્થે મુલાકાત કરે છે.
“હેરિટેજ વોક એન્ડ ટોક” પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો પરિચય, ભવ્યતા, સમૃદ્ધિની ભૂતકાલીન સ્મૃતિ-સંસ્મરણોને જીવંત રાખવાનો છે. ભાવનગરના શાસકો અને પ્રજાજનોએ ભાવનગરનાં સંસ્કાર-સભ્યતાનાં નિર્માણનાં પ્રયત્નો કર્યા હતા અને તેની પ્રવૃત્તિઓનો પ્રચાર-પ્રસારનો ઉદ્દેશ્ય છે. આ નગરે લોકોનું ભરણ પોષણ કર્યું છે. સુખ-સમૃદ્ધિ આપી છે, એ નગરના ભૂતકાળને જીવંત રાખવાનો પ્રયાસ “હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ” કરે છે. શામળદાસ આર્ટ્સ કૉલેજના ઈતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ “ભાવનગર હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ” અંતર્ગત જિલ્લા અભિલેખાગાર (દરબારી કોઠાર)ની મુલાકાત લીધી હતી.
જિલ્લા અભિલેખાગારના સંશોધન અધિકારી વનરાજસિંહ હાડાએ જિલ્લા અભિલેખાગારની સ્થાપના અને જિલ્લા અભિલેખાગારમાં સંગ્રહિત દસ્તાવેજોની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. મહારાજા તખ્તસિંહજીનો શાસનકાળ એ ભાવનગર રાજ્યની પ્રગતિ અને સમૃદ્ધિનો કાળ હતો. તેમનાં શાસનકાળ દરમિયાન દરબારી કોઠારની સ્થાપના કરવામાં આવી હતી. (ઈ.સ.૧૮૮૨)માં રાજ્યના મુખ્ય ઈજનેર રિચર્ડ પ્રોક્ટર સિમ્સના માર્ગદર્શનમાં ઈન્ડો-ગોથિક શૈલીનું સુંદર મકાન બાંધવામાં આવ્યું હતું. ભૂખરા-લાલ પથ્થરથી સુંદર બાંધણી કરવામાં આવી હતી. પ્રથમ માળે અનાજ સંગ્રહ અને બીજા માળે રાજ્યનાં વહીવટી દફતરો રાખવામાં આવતા હતા. કલાત્મક લોખંડના પગથિયાં વાળો દાદર, સ્પાઈરલ સ્ટેર આ ઈમારતની સુંદરતાને વધારે છે. વનરાજસિંહ હાડાએ અભિલેખાગારની પ્રવૃત્તિઓ તેમજ રાજ્ય અભિલેખાગાર, ગાંધીનગર દ્વારા શરૂ થયેલા દફતરવિદ્યાનાં કોર્ષની માહિતી આપી હતી. ડો. લક્ષ્મણ વાઢેરે અભિલેખાગારમાં સંગ્રહિત દફતરો-દસ્તાવેજોની સંશોધન અને સાંપ્રત સમયમાં તેની ઉપયોગીતા વિશે માહિતી આપી હતી.