Connect Gujarat
ગુજરાત

ભાવનગર: કોરોનાકાળ વચ્ચે પણ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર ખંભાતી તાળા,પૂર્વ સી.એમ.ના હસ્તે થયુ હતું લોકાર્પણ

ત્રણ વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયા બાદ પણ આજ દિન સુધી અલીગઢના તાળા લાગેલા છે.

X

ભાવનગર શહેર નજીક આવેલા રૂવા ગામે અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ત્રણ વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયા બાદ પણ આજ દિન સુધી અલીગઢના તાળા લાગેલા છે. કોરોના જેવી મહામારી અને અન્ય રોગચાળો વધવા છતાં મહાનગરપાલિકાના સત્તાધિશો લોકોને આરોગ્યની સેવા આપવામાં નિષ્ફળ નીવડ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શહેર નજીક આવેલા પાંચ ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં રુવા, તરસમયા, નારી, અકવાડા અને અધેવાડાનો સમાવેશ કરાયો હતો. આ પાંચ ગામને મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કર્યા બાદ પાયાની માળખાકીય સુવિધાઓ આપવાની જવાબદારી મહાનગરપાલિકાની હોવાથી મહાનગરપાલિકા દ્વારા તમામ ગામમાં રોડ રસ્તા,ડ્રેનેજ અને આરોગ્યક્ષેત્રે કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રુવા ગામના લોકોની સુવિધા માટે અર્બન આરોગ્ય કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. રૂપિયા સાડા ત્રણ કરોડના ખર્ચે 30 બેડની સુવિધા સાથે આ હેલ્થ સેન્ટર બે વર્ષ પહેલાં બનીને તૈયાર થઈ ગયું છે.

અને જેનું લોકાર્પણ પણ તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ બે વર્ષ દરમિયાન કોરોના મહામારી અને અન્ય બિમારીઓ વધવા છતાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રુવા આરોગ્ય સેન્ટરને અલીગઢના તાળા લગાવી જેમનું તેમ મૂકી દેવાયું છે. છેલ્લા બે વર્ષથી રુવા આરોગ્ય હેલ્થ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું નથી. જેના લીધે રુવા ગામના લોકોને શહેર સુધી આરોગ્ય સુવિધા માટે ધક્કા ખાવા પડે છે. શહેરી વિસ્તારમાં કોરોના સહિતના રોગચાળાને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. છતાં પણ મહાનગરપાલિકા દ્વારા રુવા અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો ન હતો. જેના લીધે રોગચાળો વધવા છતાં મહાનગરપાલિકાના પદાધિકારીઓની ઢીલી નીતિને લઈને રુવા આરોગ્ય સેન્ટર ને આજ દિન સુધી અલીગઢના તાળા લાગ્યા છે.

જોકે રુવા હેલ્થ સેન્ટરને લોકાર્પણ કર્યા બાદ પણ બંધ હોવાને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ચુંટણીના સમયે મત લેવા મોટી મોટી જાહેરાતો કરી અને સુવિધાના નામે લોકાર્પણ કરી દેવામાં આવે છે. પરંતુ આરોગ્ય સેન્ટર નું લોકાર્પણ કર્યા બાદ બે વર્ષ જેટલો સમય વિતવા છતાં શરુ કરવા અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.

Next Story