Connect Gujarat
ગુજરાત

ભાવનગર : વિકાસ ગૃહની દીકરીનું શિક્ષણ મંત્રીએ કર્યું કન્યાદાન, અનાથ દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા

સામાન્ય રીતે સમાજમાં દીકરીના લગ્નનો પ્રસંગ તેના માતા-પિતા માટે એક આગવો અને અનન્ય અવસર હોય છે.

ભાવનગર : વિકાસ ગૃહની દીકરીનું શિક્ષણ મંત્રીએ કર્યું કન્યાદાન, અનાથ દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા
X

સામાન્ય રીતે સમાજમાં દીકરીના લગ્નનો પ્રસંગ તેના માતા-પિતા માટે એક આગવો અને અનન્ય અવસર હોય છે. કોઈપણ માતા-પિતા પોતાની દીકરીના ધામધૂમપૂર્વક લગ્ન થાય અને દીકરીના તમામ અરમાનો પૂરા થાય તેનો ખ્યાલ રાખીને તેના લગ્ન કરાવતા હોય છે. પરંતુ સમાજમાં એવી પણ દીકરીઓ છે કે જેનું કોઈ નથી અને અનાથાશ્રમમાં કે આશ્રમ શાળાઓમાં નાનપણથી મોટી થાય છે. આવી દીકરીઓને સમાજમાં માનભેર સ્થાન મળે, માતા-પિતાનો પ્રેમ મળે અને લગ્નની યોગ્ય સમયે લગ્ન કરીને સમાજજીવનમાં સ્થાપિત થાય તે જરૂરી છે.

સંવેદનશીલ એવી રાજ્ય સરકારના સંવેદનશીલ મંત્રી જીતુ વાઘાણી પણ આવું જ એક સંવેદનશીલ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. જેમણે તાપીબાઈ વિકાસ ગૃહની દીકરીના પાલક માતા-પિતા તરીકેની ફરજો પૂરી કરીને આજે તેને લગ્નની ઉંમર થતાં તેના ધામધૂમપૂર્વક લગ્ન કરાવી કન્યાદાન કર્યું હતું. આ સમાજ અનુકરણીય કાર્યમાં તેમના મોટાભાઈ પણ પાછળ રહ્યાં નથી. તેમના મોટાભાઈ એવા ડો. ગીરીશ વાઘાણીએ પણ તાપીબાઇ વિકાસ ગૃહની અન્ય એક દીકરીનું માતા-પિતા તરીકેની ફરજ બજાવીને કન્યાદાન કર્યું હતું. આમ, બંને ભાઈઓએ સમાજમાં એક આગવું અને અનોખું સાથે-સાથે અનુકરણીય પગલું ભરીને માનવતા સાથે સંવેદનશીલતાની એક અનોખી મિશાલ પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગને દિપાવવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર અને મેયર કિર્તીબાળા દાણીધારીયા પણ વિશેષરૂપે આ લગ્નમાં ભાવનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ મંત્રી પદની ગરિમા છોડીને એક માતા-પિતા પોતાની દીકરી માટે જે ફરજ બજાવે તે તમામ ફરજો બજાવીને લગ્નના માંડવે પધારેલા સાજનની આગતા-સ્વાગતા કરી દીકરીના તમામ કોડ પૂરા થાય તેનો ખ્યાલ રાખીને ધામધૂમપૂર્વક લગ્ન કરાવ્યાં હતાં. આમ સરકારના શિક્ષણ મંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીની સંવેદનશીલતાને કારણે તાપીબાઇ વિકાસ ગૃહની દીકરીઓ પૂનમ અને ગુંજનના જીવનમાં સોળે કળાએ પૂનમ ખીલવા સાથે હરખનું ગુંજન થયું હતું.

Next Story