છોટાઉદેપુરના ઢોકલીયાના નદી ફળિયામાં બાળક ઉપર ટ્રકના તોતિંગ પૈંડા ફરી વળતાં તેનું મોત થયું છે. મુળ ઉત્તરપ્રદેશનો પરિવાર પાણીપુરી વેચવા માટે બોડેલીમાં સ્થાયી થયો હતો. 8 વર્ષ સુધી બાધા- માનતા રાખ્યાં બાદ દંપત્તિના ઘરે પુત્રનો જન્મ થયો હતો પણ અકાળે તેનું મોત થઇ જતાં પરિવારના માથે આભ તુટી પડયું છે.
ઢોકલીયાના નદી ફળિયામાંથી પસાર થતી એક ટ્રકે એક પરિવારની ખુશીઓ પળવારમાં ઝુંટવી લીધી હતી. ટ્રકના તોતિંગ પૈંડા ફરી વળતાં માસુમ બાળકના રામ રમી ગયાં હતાં. ઉત્તરપ્રદેશનો પરિવાર છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી બોડેલીમાં રહેતો અને પાણીપુરી વેચી ગુજરાન ચલાવતો હતો. હરપાલનો પુત્ર રંજ આજરોજ ઘરના આંગણામાં રમી રહયો હતો તે સમયે સિમેન્ટ ફેકટરી તરફથી આવતી એક ટ્રકના ચાલકે તેને ટકકર મારી હતી. રંજના માથા પરથી ટ્રકના તોતિંગ પૈંડા ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત નીપજયું હતું.
આઠ વર્ષ સુધી માનતાઓ અને બાધા રાખ્યાં બાદ દંપત્તિને પુત્રનો જન્મ થયો હતો પણ કુદરતે રંજના નસીબમાં માત્ર 3 વર્ષની જ જીંદગી લખી હોય તેમ તેનું અકાળે મોત થઇ ગયું છે. આ વિસ્તારમાંથી દોડતી બેફામ ટ્રકો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે