/connect-gujarat/media/media_files/1f8aS6vPUwGxRCSanHWd.jpg)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વનો કર્મચારીલક્ષી નિર્ણય લીધો છે, જેના ભાગરૂપે રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને દિવાળીની ભેટ આપવામાં આવી છે.
રાજ્ય સેવા, પંચાયત સેવા અને અન્ય વિભાગના 4.69 લાખ કર્મચારીઓ અને અંદાજે 4.82 લાખ પેન્શનર્સ ને કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થા (DA) માં વધારાનો લાભ 1 જુલાઈ, 2025 ની અસરથી આપવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચ ના કર્મચારીઓને 3% અને છઠ્ઠા પગાર પંચ ના કર્મચારીઓને 5% નો વધારો મળશે. રાજ્ય સરકાર આ વધારાના 3 માસના એરિયર્સ (તફાવતની રકમ) એટલે કે 1 જુલાઈ, 2025 થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીની રકમ એક જ હપ્તામાં ચૂકવશે, જેની કુલ રકમ ₹483.24 કરોડ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં નિર્ણય કરીને મોંઘવારી ભથ્થા (DA) માં વધારાનો લાભ આપવાની જાહેરાત કરી છે. આ વધારો 1 જુલાઈ, 2025 ની અસરથી કેન્દ્ર સરકારના ધોરણે લાગુ કરવામાં આવશે, જે આગામી પગારથી મળવાપાત્ર થશે.
આ વધારો નીચે મુજબ બે પગાર પંચના ધોરણે લાગુ પડશે:
- સાતમા પગાર પંચ: આ પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% (ટકા) નો વધારો કરવામાં આવ્યો છે.
- છઠ્ઠા પગાર પંચ: આ પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5% (ટકા) નો વધારો કરવામાં આવ્યો છે.
આ કર્મચારી હિતકારી નિર્ણયથી રાજ્ય સરકારના, પંચાયત સેવાના તેમજ અન્ય સેવાઓના મળીને કુલ 4.69 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.82 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ (પેન્શનર્સ) ને સીધો લાભ મળશે.