દાહોદ તાલુકાના રળીયાતી નજીક ખાન નદીમાંથી મળી આવેલ મૃત યુવકની હત્યાનો ભેદ દાહોદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ સાથે જ ઉજજેન ભાગે તે પહેલા જ હત્યારાને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દાહોદના રળીયાતી નજીક ખાન નદી ત્રિવેણી સંગમ પર એક અજાણ્યા ઇસમનો મૃતદેહ નદીમાં જોવા મળતા સ્થાનિકો દ્વારા દાહોદ પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે ઘટના સ્થળે પહોંચેલી દાહોદ પોલીસે મરણ જનારના મૃતદેહને બહાર કાઢી તપાસ હાથ ધરતા તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળી હતી. આ વ્યક્તિની કોઈએ હત્યા કરી હોવાની આશંકાએ પોલીસે મરણ જનાર વ્યક્તિના મૃતદેહને પીએમ અર્થે મોકલી 4 જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, ત્યારે મૃતક યુવક આગાવાડા ગામનો લાલા ભાભોર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરવા સાથે CCTV ફૂટેજની મદદ મેળવી હતી. આ સાથે જ હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સના માધ્યમથી પોલીસને જાણવા મળ્યું હતું કે, ત્રિવેણી સંગમ નદી ખાતેના રહેવાસી ગણેશ ઉર્ફે સની તાનસીંગ ડામોરનો મૃતક યુવક સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો, ત્યારે પોલીસે ગણેશ ડામોરની શોધખોળ હાથ ધરી હતી. જોકે, ગણેશ ડામોર પોલીસને હાથતાળી આપી ઉજ્જૈન ભાગે તે પહેલા દાહોદ પોલીસે રેલવે સ્ટેશન ખાતેથી તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા ગણેશ ડામોરને પૈસાની જરૂર પડતા મૃતક સાથે બોલાચાલી અને ઝઘડો થયો હોવાનું જણાવ્યુ હતું. જે બાદ ગુસ્સામાં આવી ગણેશ ડામોરે બોથડ પદાર્થ વડે માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડી લાલા ભાભોરને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતકના ખિસ્સામાંથી 1200 રૂપિયા કાઢી લઈ મૃતદેહને ખાન નદીમાં ફેંકી દીધા હોવાની કબુલાત કરતા પોલીસે આ મામલે લૂંટ વીથ મર્ડરનો ગુનો દાખલ કરી ગણેશ ડામોરને જેલ ભેગો કર્યો છે.