Connect Gujarat
ગુજરાત

દાહોદ : જેસાવાડાના પરીવાર પાસેથી લાખો રૂપિયાના રોકડ-દાગીનાની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર..!

X

જેસાવાડા ગામના પરીવાર પાસેથી રોકડ-દાગીનાની લૂંટ

રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા જતાં બની હતી ઘટના

5 લૂંટારૂઓ લાખો રૂપિયાના માલમત્તાની લૂંટ ચલાવી ફરાર

મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે રહેતા દેવડા પરિવારના 6 સભ્યો રક્ષાબંધન નિમિત્તે તેમના માતા-પિતાના ઘરે નઢેલાવ જવા રાત્રીના 8:30 વાગ્યાના સુમારે બાઈક પર નીકળ્યા હતા, જ્યાં રસ્તામાં કાળિયા કોતરના વળાંકમાં પાછળથી એક બાઈક સવાર બુકાનીધારી લૂંટારાએ પોતાના હાથમાં રહેલી લાકડી બાઈકસાવર સંજય દેવડાની પત્ની અંકિતા દેવડાને માથાના ભાગે મારી બાઈક પરથી પાડી દીધી હતી. જે બાદ બૂમાબૂમ થતા બાઈક પર આગળ ચાલતાં પરિવારના સભ્ય અનિલ દેવડા પણ રોકાઈ ગયા હતા. તે સમયે બાઈક સવાર લુંટારૂએ તેના અન્ય સાગરીતોને બાજુના ઝાડી ઝાંખરાઓમાંથી બોલાવી લેતા 5 લુંટારૂઓએ ભેગા મળી બાઈક સવાર બન્ને દંપતિ તેમજ તેમના બાળકોને ગડદાપાટુનો માર મારી સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેઇન, સોનાના ઝુમકા, ચાંદીની પાયલ તેમજ અનિલ દેવડા પાસે રહેલા રોકડ રકમ 23 હજાર મળી લાખો રૂપિયાના માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

જે બાદ લૂંટનો ભોગ બનનાર અનિલ દેવડાએ જેસાવાડા પોલીસ મથકે જાણ કરતા પી.એસ.આઇ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત દંપતી તેમજ બાળકોને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તમામ ઇજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા, ત્યારે હાલ તો પોલીસે લૂંટ સંબંધી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી વહેલી તકે લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story