ખંગેલા ગામમાં આસ્થાના અનોખા પર્વની ઉજવણી કરાય
ખંગેલામાં બાબા ગલદેવના મેળામાં અનોખા દ્રશ્યો સર્જાયા
હોળી-ધુળેટી પર્વ પર યોજાતા ગલદેવ મેળાનું અનેરું મહત્વ
માનતા રાખનારને ઊંચા લાકડા પર બાંધી ગોળ ફેરવાતો
ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો ઉમટી પડ્યા
દાહોદ જિલ્લાના ખંગેલા ગામે આસ્થાના અનોખા પર્વની ઉજવણી, જ્યાં ભક્તિ અને સાહસનો સંગમ જોવા મળે છે. ગુજરાત જ્યાંથી શરૂ થાય છે, એવા સૂર્યના પ્રથમ કિરણોના સાક્ષી દાહોદ જિલ્લામાં હોળી બાદ મેળાઓની મોસમ જામી છે. મધ્યપ્રદેશની સરહદે આવેલા ખંગેલા ગામે બાબા ગલદેવના મેળામાં કંઈક એવા દ્રશ્યો સર્જાયા કે, જોનારાઓ સ્તબ્ધ થઈ ગયા. દાહોદ એટલે આદિવાસી સંસ્કૃતિનો ધબકાર. અહીં હોળી-ધૂળેટી માત્ર તહેવાર નથી, પણ વતનમાં પાછા ફરવાનો ઉત્સવ છે. હોળી-ધુળેટી બાદ જ્યારે ગોળ ગધેડા અને ચુલના મેળાની ધૂમ મચે છે, ત્યારે ખંગેલા ગામે બાબા ગલદેવનો મેળો આસ્થાનું કેન્દ્ર બન્યો છે.
આ મેળામાં આશરે 30 ફૂટ ઊંચા લાકડાના થાંભલા (ગલ) ઊભા કરવામાં આવે છે. જેમાં માનતા રાખનારા યુવાનોને આ ઊંચા લાકડા પર બાંધી, નીચેથી 10 ફૂટ લાંબા લાકડાને દોરડા વડે ગોળ ફેરવવામાં આવે છે. આ વર્ષે 20 જેટલા યુવાનોએ પોતાની માનતા પૂર્ણ કરવા માટે આ જોખમી ગણાતી વિધિમાં ભાગ લીધો હતો, જ્યાં સીમાડા ઓળંગી માનવ મહેરામણ ઉમટતા ઢોલ-નગારાના તાલે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ મેળો માત્ર ખંગેલા પૂરતો મર્યાદિત નથી. આ મેળામાં 3 રાજ્યોનો સંગમ જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લાના સ્થાનિક ગ્રામજનો તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ખંગેલા ગામના સંગાડિયા પરિવાર દ્વારા આયોજિત આ મેળામાં મેડા પરિવારના સભ્યો દ્વારા યુવાનોને હવામાં ફેરવવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજે પોતાની આ અનોખી પરંપરાને જીવંત રાખી છે. વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરે, પણ આદિવાસી સંસ્કૃતિમાં રહેલી શ્રદ્ધા આજે પણ અતૂટ છે. તહેવાર, પરંપરા અને પોતાની માટી પ્રત્યેનો આ પ્રેમ જ દાહોદની અસલી ઓળખ છે. ભલે રોજગારી માટે આ લોકો દૂર જતા હોય, પણ પોતાની પરંપરા નિભાવવા તેઓ સાત સમંદર પારથી પણ પાછા ફરે છે.