Connect Gujarat
ગુજરાત

ડાંગ : છેવાડાના માનવીઓ માટે 'આત્મનિર્ભર ગ્રામ યાત્રા' વિકાસની સરવાણી વહાવશે : નાયબ મુખ્ય દંડક

ડાંગ આહવા ખાતેથી ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’નો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ

X

ડાંગ જિલ્લાના આહવા ખાતેથી 'આત્મનિર્ભર ગ્રામ યાત્રા'નો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આઝાદી ના અમૃત મહોત્સવની થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે તા. ૧૮થી ૨૦મી નવેમ્બર દરમ્યાન આયોજિત 'આત્મનિર્ભર ગ્રામ યાત્રા' થકી વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આહવાના ડાંગ દરબાર હૉલ ખાતે યોજાયેલ 'આત્મનિર્ભર ગ્રામ યાત્રા' કાર્યક્રમનો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકે જણાવ્યુ હતું કે, માનવીના જન્મ પૂર્વેથી લઈને મૃત્યુપર્યંત સુધીની અનેકવિધ યોજનાઓ રાજ્ય અને કેન્દ્ર સરકારે અમલી બનાવીને પ્રજાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વિશ્વની સૌથી મોટી આયુષ્યમાન ભારત જેવી સ્વાસ્થ્યલક્ષી યોજના અમલી બનાવીને ભારત સરકારે ગરીબ જરૂરિયાતમંદ પ્રજાજનોના આરોગ્યની દરકાર કરી છે. ગુજરાત સરકારે પણ 'નિરામય ગુજરાત' અભિયાનનો પ્રારંભ કરીને 'સર્વજન હિતાય, સર્વજન સુખાય'નો માર્ગ અપનાવ્યો છે.

શુદ્ધ આબોહવા, પ્રાકૃતિક સ્ત્રોતોથી ભરપૂર અને નૈસર્ગિક સુંદરતા ધરાવતા રાજ્યના ખૂબસૂરત ડાંગ જિલ્લાને માટે 'આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ' કાર્યક્રમ ઇતિહાસના સ્વર્ણિમ પુષ્ઠમાં અંકિત થશે તેમ જણાવતા નાયબ મુખ્ય દંડકે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વિચારને મૂર્તિમંત કરવાના અભિયાનમાં સૌને સહભાગી થવાની પણ હિમાયત કરી હતી. આ સાથે જ 3 દિવસ દરમ્યાન અનેક વિકાસ યોજનાઓના લાભ એનાયત કરવા સાથે, નવા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. જેથી ડાંગ જિલ્લાના વિકાસની કાયાપલટ થશે અને 'સ્વરાજ થી સુરાજ'ની કલ્પનાને સાકાર કરતા 'આત્મનિર્ભર ગ્રામ યાત્રા'ના કાર્યક્રમો ગ્રામજનોને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવશે, ત્યારે પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓની જાણકારી 'આત્મનિર્ભર ગ્રામ યાત્રા' ના માધ્યમથી સતત ત્રણ દિવસો સુધી ગ્રામજનો સુધી પહોંચાડવાની કવાયત રાજ્ય સરકારે હાથ ધરી છે.

પ્રજાકીય જાગૃતિ કેળવીને સર્વાંગિ વિકાસની યોજનાઓનો લાભ લેવા માટે પણ નાયબ મુખ્ય દંડકે લાભાર્થીઓને અપીલ કરી હતી. આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત, ધારાસભ્ય વિજય પટેલ, જિલ્લા કલેક્ટર ભાવિન પંડયા, જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપિન ગર્ગ, પ્રાયોજના વહિવટદાર કે.જે.ભગોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એન.ચૌધરી, પ્રાંત અધિકારી કાજલ ગામિત સહિતના અધિકારીઓ તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story