તારીખ 17મી સપ્ટેમ્બર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી નિમિતે ગ્રામ ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની, ગાંધીનગર પુરસ્કૃત અને જિલ્લા ગ્રામ એજન્સી, ડાંગ આયોજિત વિશ્વાસથી વિકાસ યાત્રાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં, જિલ્લાના સ્વસહાય જૂથોને ₹ ૮૪ લાખ, ૩૦ હજારની કિંમતના ચેકોનુ વિતરણ કરાયુ હતુ. વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીના જન્મદિવસે સમગ્ર ડાંગ જિલ્લા વતી તેમને શુભકામનાઓ પાઠવતા, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિતે વડાપ્રધાનના મહિલા સશક્તિકરણના કાર્યને આગળ ધપાવતા, ગુજરાત રાજ્યે મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્રતા પુરી પાડી છે, તેમ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યુ હતુ. પ્રજાજનોએ સરકારમા મુકેલા વિશ્વાસનુ વળતર આપતા સરકારે, અનેક કલ્યાણ યોજનાઓ અમલી બનાવીને, જનમાનસમાં વિશ્વાસનો સંચાર કર્યો છે, તેમ પણ મંગળ ગાવિતે આહવા ખાતે વધુમાં જણાવ્યુ હતુ. સરકાર ઉપર પ્રજાજનોનો વિશ્વાસ, પ્રજામાનસ પર સરકારનો વિશ્વાસ, અને નાગરિકોને સ્વયંની શક્તિ પરના વિશ્વાસના ત્રિવેણી સંગમ થકી, ડાંગની ગ્રામીણ નારીઓ પણ આર્થિક રીતે પગભર થઈને, આત્મનિર્ભર બની છે, તેમ ડાંગના ધારાસભ્ય વિજય પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણની દેખાડેલી દિશા તરફ પ્રયાણ કરીને, ડાંગની મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર થઈ છે, ત્યારે મહિલાઓને દરેક ક્ષેત્રે અગ્રેસર થવાની ભરપૂર તક પુરી પાડનાર વડાપ્રધાનનું સ્વપ્ન અહીં સાકર થતુ દેખાઈ રહ્યુ છે, તેમ પણ તેમણે વધુમા ઉમેર્યું હતુ.