ડાંગ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના સુરગાણા ગામે ભૂલી પડેલી, તાલુકાના ખેડખોપડા ગામની એક મહિલાને આહવા તાલુકાના સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા પરીવાર સાથે સુ:ખદ મિલન કરાવાયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. ૫મી જુલાઈના રોજ ૧૮૧-મહિલા હેલ્પલાઈન (અભયમ) દ્વારા રાત્રીના ૮:૩૦ વાગ્યાના સુમારે, સુરગાણા ગામે ભૂલી પડેલી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર-આહવા ખાતે લાવવામા આવી હતી. જ્યા આ મહિલાને સેન્ટર ખાતે આશ્રય આપવા સાથે તેનું કાઉન્સેલિંગ કરાતા, પ્રથમ તે વલસાડના ડુંગરી ગામના રહેવાસી હોવાનું જણાયું હતું. જેથી સેન્ટરના કર્મચારીઓ દ્વારા આ બાબતે વલસાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી, મહિલાના વાલી વારસની તપાસ કરતા ડુંગરી ગામમાં રહેતા વ્યક્તિઓ સાથે વાતચીત કરતા આ મહિલા બીલીમોરાની હોવાનું જણાયુ હતું. જેથી સેન્ટરના કર્મચારીઓ દ્વારા બીલીમોરામાં પણ આ અંગેની તપાસ કરાવતા આ મહિલાના કોઈ વાલી વારસદાર મળી આવ્યા ન હતા. ત્યારબાદ સેન્ટરને આ મહિલાની સાસરી વાંસદા તાલુકાના ગુંહી ગામે હોવાનું માલુમ પડતા ત્યાંના પાટીલનો સંપર્ક કરી, ત્યાં પણ તપાસ કરતા આ મહિલા સુરગાણા તાલુકાના ખેડખોપડા ગામની રહેવાસી છે, તેવું જાણવા મળતા, સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાના પરિવારનો સંપર્ક કરાયો હતો. ત્યારબાદ આ મહિલાના પતિ દ્વારા તેઓ મહિલાને લેવા રૂબરૂ સેન્ટર ખાતે આવશે તેમ જણાવાતા તા. ૧૦/૭/૨૦૨૩ના રોજ આશ્રિત મહિલાને એમની સાસુ અને મોટી બહેન સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રૂબરૂ લેવા માટે આવેલ, અને મહિલાને સહી સલામત જોઈ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. જેથી બન્ને પક્ષની સંમતિ અને સમજુતીથી આ આશ્રિત મહિલાને પોતાના ગામ ખેડખોપડા મોકલવાની કાર્યવાહી સેન્ટરના કર્મચારીઓ દ્વારા પોલીસની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. આમ, આશ્રિત મહિલાને તેમના સાસુ સાથે ઘરે પુનઃ સ્થાપન કરાતા આશ્રિત મહિલાના પરિવારજનો દ્વારા ડાંગ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકના સખી વન સ્ટોપનો આભાર વ્યક્ત કરાયો હતો.