Connect Gujarat
ગુજરાત

ડાંગ : આહવા ખાતે યોજાયો વિશ્વ આદિવાસી દિવસ, રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈ રહ્યા વિશેષ ઉપસ્થિત

ડાંગ : આહવા ખાતે યોજાયો વિશ્વ આદિવાસી દિવસ, રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈ રહ્યા વિશેષ ઉપસ્થિત
X

ડાંગ જિલ્લાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી, આદિવાસી સમાજના ગૌરવવંતા ઇતિહાસની ઝાંખી રજૂ કરી પ્રકૃતિને પૂજતા આદિવાસી સમાજની પ્રગતિનો ચિતાર રજુ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમા પોતાના કાર્યકાળ દરમ્યાન કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ તેમજ આદિજાતિ કલ્યાણ યોજનાઓની શરૂઆત કરી હતી, જે આજે આદિવાસી સમાજને ફળી રહી છે. આદિજાતિ વિકાસની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને માળાખાકીય સુવિધાઓ દ્વારા આદિજાતિ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તેવો રાજ્ય સરકારનો ધ્યેય રહેલો છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું. અંતરિયાળ વિસ્તારોમા વસતા ગરીબ આદિજાતિ પરિવારના બાળકો, શહેર જેવી સુવિધાવાળું ઉચ્ચ શિક્ષણ મેળવે અને ઉચ્ચ કારકિર્દીને હાસલ કરે એ માટે ભારત સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસથી આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા ૧૦૧ શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે. તેમજ શહેરી વિસ્તારમા વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધાઓ સાથે સમરસ હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યના 13 હજાર જેટલાં આદિજાતિ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની આદિવાસી કલ્યાણની હજારો યોજનાઓ, આદિવાસી ગૌરવના પ્રકલ્પો વિગેરેનો ખ્યાલ આપી, આદિવાસી સમાજને અદકેરુ ગૌરવ અપાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. મંત્રીએ આ વેળા મેરી માટી, મેરા દેશ અભિયાનમાં સૌને સહભાગી થવાની અપીલ કરી હતી. આદિવાસી સમાજની આદિઅનાદિ કાળથી થઈ રહેલી ઉત્ક્રાંતિનો ખ્યાલ આપતા, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિતે, આદિમાનવથી મહામાનવ સુધીની આદિવાસી સમાજની સફર ગાથા વર્ણવી હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો ખ્યાલ આપી જળ, જંગલ, અને જમીનનો હક્ક અધિકાર રાજ્ય અને કેન્દ્ર સરકારે આપીને આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તેમ જણાવ્યુ હતું. આદિવાસી નૃત્યો સાથે યોજાઈ ભવ્ય રેલી ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આહવાના કાર્યક્રમ પૂર્વે ગાંધી ઉદ્યાન ખાતેથી આદિવાસી નૃત્યો સાથેની એક વિરાટ રેલી નિકળી હતી. આ રેલીને મહાનુભાવોએ પ્રસ્થાન કરાવી, આહવા નગરના માર્ગો ઉપર આદિવાસી વાજિંત્રોની સુરાવલીઓ સાથે નૃત્યોની મોજ પણ માણી હતી.

Next Story