ઉનાળાની ઋતુ આવતા જ મીઠી કેરીની સિઝન શરૂ
માર્કેટિંગ યાર્ડમાં કેરીની નહિવત આવક જોવા મળી
ચાલુ વર્ષે કેરીનો પાક માત્ર 40 ટકા જેટલો આવ્યો
માવઠાથી ચાલુ વર્ષે કેરીનો પાક ખૂબ નબળો ઉતર્યો
ચાલુ વર્ષે ઓછો પાક હોવાથી વેપારીઓમાં નિરાશા
અબાલ વૃદ્ધ સહિત સૌ કોઈમાં પ્રિય એવી કેસર કેરીનો પાક ચાલુ વર્ષે નબળો આવતા જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની નહિવત આવક થતાં વેપારીઓમાં નિરાશા જોવા મળી છે. ફળોનો રાજા અને ફળોની રાણી જેવા ઉપનામથી ઓળખાતી કેરી, અને ઉનાળાની ઋતુ આવતા જ કેરીની સિઝન આવે અને નાના બાળકોથી વડીલ વૃદ્ધો સહિત પાકેલી કેરીનું નામ સાંભળતા જ મોમાં પાણી આવવા લાગે.
દર વર્ષે જુનાગઢના માર્કેટિંગ યાર્ડમાં ગીર તાલાલા અને વંથલીની કેરીની સારી એવી આવક થાય છે. પરંતુ ચાલુ વર્ષે કેરીનો પાક માત્ર 40 ટકા જેટલો હોવાથી કેરીની આવક જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નહિવત જોવા મળી રહી છે. હાલ યાર્ડમાં રોજના 4થી 5 હજાર બોક્સની આવક થઈ રહી છે, જે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછો પાક હોવાથી વેપારીઓ નિરાશ થયા છે.
જોકે, હાલ 500થી લઈને 1200 રૂપિયા સુધી 10 કિલોનું કેરીના બોક્સનું વેચાણ થઈ રહ્યું છે. કમોસમી વરસાદ અને માવઠાથી ચાલુ વર્ષે કેરીનો પાક ખૂબ જ નબળો ઉતર્યો છે, જ્યારે મહારાષ્ટ્રની રત્નાગીરીની હાફૂસ કેરી હાલ માર્કેટમાં વેચાણ થઈ રહી છે.
કેરીના ભાવ આસમાને જતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ વર્ષે કેરીનો સ્વાદ ચાખવો કપરો બન્યો છે, એક તરફ કારમી મોંઘવારી અને મધ્યમ વર્ગના લોકો માટે પરિવારના ગુજરાન માટે ઘરના બે છેડા ભેગા કરવા આકરા બન્યા છે. ત્યારે મીઠી મીઠી કેરીના રસનો સ્વાદ કડવો બની રહ્યો છે.