દેશમાં દિવાળી જેવો માહોલ : ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ થતાં ભાજપ સહિત વિવિધ સંગઠનો દ્વારા ઉજવણી...

New Update
દેશમાં દિવાળી જેવો માહોલ : ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ થતાં ભાજપ સહિત વિવિધ સંગઠનો દ્વારા ઉજવણી...

ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ થયું

સફળતાપૂર્વક ચંદ્રયાન-3 લેન્ડ થતાં દેશમાં ઉજવણીનો માહોલ

રાજ્યભરમાં ભાજપ સહિત વિવિધ સંસ્થા દ્વારા કરાય ઉજવણી

ભારત દેશના ચંદ્રયાન-3 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી ગત તા. 14 જુલાઈના રોજ સવારે 3.35 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું. પૃથ્વીથી ચંદ્રનું કુલ અંતર 3 લાખ 84 હજાર કિલોમીટર છે, ત્યારે ચંદ્રની સપાટી પર ઉતરવામાં તેને 41 દિવસ લાગ્યા હતા. ભારત દેશના ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમે આજે સાંજે 6.04 કલાકે ચંદ્રની ધરતી પગ મુકી ઈતિહાસ રચ્યો છે, ત્યારે ચંદ્રયાન-3ના લેન્ડિંગનું વડોદરા શહેરના ડેરી ડેન સર્કલ ખાતે LED સ્ક્રીન મુકી લાઈવ પ્રસારણ કરવા ભાજપા યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડ થતાંની સાથે જ ફટાકડા ફોડી એકબીજાને મોઢું મીઠું કરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ભાજપ યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિત, શહેર મહામંત્રી રાકેશ સેવક સહિત તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનોએ જોડાયા હતા.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. હવે ધૂળ સ્થિર થયા બાદ વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવી વિક્રમ અને પ્રજ્ઞાન એકબીજાનો ફોટો પાડીને પૃથ્વી પર મોકલશે. જોકે, ચંદ્રની ધરતી પર ચન્દ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ થતાં દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લા ભાજપમાં દ્વારા ખુશહાલી વ્યક્ત કરવામાં આવી હતી. ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા હાથમાં તિરંગા સાથે રેલી યોજાય હતી. આ સાથે જ ભાજપ દ્વારા દ્વારા ભવ્ય આતિશબાજી કરીને ઉજવણી કરવામાં આવી હતી. “ભારત માતા કી જય”ના નારાઓ સાથે ભાજપના કાર્યકર્તાઓએ પોતાનો દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.

આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમૃતકાળમાં સફળતાની અમૃતવર્ષા થઈ છે. PM મોદીએ અગત્યની જાહેરાત કરતાં કહ્યું કે, સૂર્યના વિસ્તૃત અભ્યાસ માટે ઈસરો હવે પછી આદિત્ય એલ-વન મિશન લોન્ચ કરશે. એ પછી શુક્ર પર પર ઈસરો સંશોધન કરશે. તો બીજી તરફ, ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થતાં દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભાજપ સંગઠન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ભવ્ય આતિશબાજી કરી ISROના તમામ વૈજ્ઞાનિકોની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ અરવલ્લી જીલ્લામાં પણ ઠેર ઠેર લોકોએ આ પળને વધાવી ઉજવણી કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.

સમગ્ર ભારત વર્ષ ગૌરવ અને ઉત્સાહથી ચન્દ્રયાન-3ના ચંદ્રની ધરતી પર ઉતરાણની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ચંદ્રના નાથ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભારતના ચન્દ્રયાન પ્રકલ્પની સફળ ઉતરાણની શાસ્ત્રોકત વિધિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સોમનાથ મંદિર પરિસરમાં પ્રોજેક્ટર દ્વારા વિશાળ ફલક પર ચન્દ્રયાન-3ના ઉતરાણનું જીવંત પ્રસારણ પ્રસારિત કરવામાં આવ્યું હતું, ત્યારે ચન્દ્રયાન-3નું સફળ ઉતરાણ થતાંની સાથે જ “હર હર મહાદેવ” અને “જય સોમનાથ”ના નાદ સાથે આ ધન્ય ઘડીને વધાવવામાં આવી હતી. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ટ્રસ્ટ પરિવાર, તીર્થ પુરોહિતો, સોમનાથ સંસ્કૃત પાઠ શાળાના ઋષિ કુમારો અને ગુરુજનો, મહાદેવના દર્શને આવેલ ભક્તો તમામ ચન્દ્રયાન-3ના ઉતરાણની ધન્ય ક્ષણના સાક્ષી બન્યા હતા

ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ ચન્દ્રયાન-3ના સફળ લેંડિંગ બદલ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમે આજે સાંજે 6.04 કલાકે ચંદ્રની ધરતી પગ મુકતા અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ, ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યા કાર્યકરોએ ઉપસ્થિત રહી ચન્દ્રયાન-3ના ઉતરાણનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું, ત્યારે ચંદ્રની ધરતી પર ચન્દ્રયાન-3નું સફળ ઉતરાણ થતાંની સાથે જ ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Latest Stories