તમામ પક્ષના ઉમેદવારો ભરી રહ્યા છે પોતાના નામાંકન પત્ર
જુનાગઢ-કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ ભર્યું છે નામાંકન
અમરેલી-ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ નામાંકન ભર્યું
વડોદરા-કોંગ્રેસના ઉમેદવાર જસપાલ પઢિયારે ભર્યું નામાંકન
વાઘોડિયા વિધાનસભા-અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવ
સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે તમામ પક્ષના ઉમેદવારો પોતાના નામાંકન પત્રો ભરી રહ્યા છે. જુનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા, અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા, વડોદરા કોંગ્રેસના ઉમેદવાર જસપાલ પઢિયાર તેમજ વાઘોડિયા વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
જુનાગઢ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ કલેક્ટર કચેરી ખાતે વિધિવત રીતે પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું. હીરા જોટવા પોતાનું નામાંકન પત્ર ભરે તે પૂર્વે શહેરની દોમડીયા વાડી ખાતે કોંગ્રેસ દ્વારા સભા યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સભા પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું.
શહેરના વિવિધ રાજમાર્ગો પરથી આ રેલી પસાર થઇ હતી. રેલીમાં ડીજેના તાલે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાદમાં નિયમ મુજબ નિર્ધારિત લોકોની હાજરીમાં હીરા જોટવાએ પોતાનું નામાંકન પત્ર કલેક્ટર સમક્ષ રજુ કર્યું હતું. ઉપરાંત તેઓએ તંત્રને રજુઆત પણ કરી હતી કે, નિષ્પક્ષ રીતે લોકસભા ચૂંટણી યોજાય તેવું વહીવટી તંત્ર દ્વારા થવું જોઈએ.
અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા નામાંકન પત્ર ભરતા પહેલા લાઠી ખાતે દેવાધી દેવ મહાદેવના દર્શન કરવા પહોચ્યા હતા. એક ખેડૂત ઉમેદવાર ભરત સુતરીયા બળદ ગાડામાં બેસીને રેલીનો પ્રારંભ કર્યો હતો. બાદમાં અમરેલીમાં વિજય સંકલ્પ સભા અને ભવ્ય રોડ શો યોજાયો હતો.
નામાંકન પત્ર ભર્યા અગાઉ ભાજપે શકિત પ્રદર્શન કર્યું હતું, જેમાં 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાના રોડ શોમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા, દિલીપ સંઘાણી, નારણ કાછડીયા, હકુભા જાડેજા, મહેશ કસવાળા, કૌશિક વેકરીયા, હીરા સોલંકી, જે.વી.કાકડીયા, ડો. ભરત કાનાબાર સહિતના નેતાઓ સાથે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ સાથે જ અમરેલી લોકસભા બેઠક પર 5 લાખની લીડ સાથેની ભવ્ય જીતનો દાવો ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાએ વ્યક્ત કર્યો હતો.
આ તરફ, વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર જસપાલ પઢિયારે પણ આજરોજ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર જસપાલ પઢિયારે શહેરના ઇસ્કોન મંદિરથી પગપાળા યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. આ દરમ્યાન તેઓની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થ પટેલ સહિત કોંગ્રેસના સેંકડો કાર્યકરો અને સમર્થકોએ પણ પગપાળા રેલી યોજી હતી.
ઉમેદવારીપત્ર ભર્યા બાદ જસપાલ પઢિયારે નિવેદન આપ્યું હતું કે, હવે ભાજપ પરથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે. ક્ષત્રિયોની નારાજગીનો કોંગ્રેસને ફાયદો થશે તેવું પણ જસપાલ પઢિયારે જણાવ્યુ હતું. ક્ષત્રિય ઉમેદવાર જસપાલ પઢિયારના સમર્થનમાં ક્ષત્રિયાણીઓ પણ ઉપસ્થિત રહી હતી.
સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં 5 વિધાનસભાની ચુટણી થઈ રહી છે, ત્યારે 136 વાઘોડિયા વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યું છે. 2022ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત્યા હતા. જેમાં ભાજપ તરફથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા કોંગ્રેસ તરફથી કનુ ગોહિલ છે, ત્યારે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધવી છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ હતું કે, મારા વાઘોડિયાના અધૂરા રહી ગયેલા કામ પૂરા કરવા માટે હું ફરી ચૂંટણી લડવા માંગુ છું.