નવસારી જિલ્લાના દરિયા કાંઠા વિસ્તારના ગામોમાં આટલા વર્ષો બાદ પણ પ્રોટેક્શન વોલ બની નથી. જેના કારણે ભરતીના સમયે દરિયાઈ પાણી ગામમાં પ્રવેશવાની ચિંતામાં ગ્રામજનોની ઊંઘ હરામ થઈ છે. નવસારી જિલ્લાના 52 કીલોમીટરના દરિયા કિનારાના ગામોમાં છેલ્લા ઘણા સમયથી ધોવાણની ફરિયાદો ઊઠી છે. જેમાં જલાલપોર તાલુકાના દરિયા કિનારાના ગામોમાં મોટાપાયે ધોવાણ થતું આવ્યું છે. અસરગ્રસ્ત ગામોની વાત કરવામાં આવે તો બોરસી અને દિપલા ગામમાં હજુ સુધી પ્રોટેક્શન વોલ બની નથી. પાડોશી ગામ માછીવાડમાં હાલમાં જ પ્રોટેક્શન વોલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
પરંતુ બોરસી ગામમાં હજુ સુધી પ્રોટેક્શન વોલને લઈને કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેથી ભરતી સમયે ગામમાં પાણી ભરાતા લોકોના ઘરમાં પાણી પ્રવેશે છે. જેથી અહીના ગ્રામજનો પાણી વચ્ચે કેવી રીતે રહે તેવી ચિંતામાં મુકાયા છે. દરિયા કિનારાના ધોવાણના કારણે કાંઠા વિસ્તારના બોરસી ગામનું અસ્તિત્વ જોખમમાં મુકાયુ છે.
નવસારી જીલ્લામાં ચોમાસુ નજીક આવતા જ જલાલપોર તાલુકાના દરિયા કાંઠાના દીપલા અને બોરસીના ગ્રામજનોનો જીવ તાળવે ચોંટી જતો હોય છે. કારણ છે ચોમાસામાં આવતી મોટી ભરતી. દરિયામાં હાઇ ટાઇડની સ્થિતિ સર્જાતા ગાંડાતૂર બનેલા દરિયાના પાણી સહેલાઈથી ગામમાં ધસી આવે છે.
દરિયાઇ ભરતીમાં ગામના મોટાભાગના મકાનોમાં 2થી 3 ફૂટ જેટલું દરિયાનું પાણી ઘુસી જાય છે, ત્યારે ગ્રામજનોને 2થી 3 દિવસ અને ઘણીવાર તો ચોમાસામાં વરસાદની ભારે આગાહી વખતે દિવસ રાતના ઉજાગરા કરવા પડે છે. દર વર્ષે અષાઢી બીજની મોટી ભરતીમાં 20 ફૂટથી ઉંચા ઉછળેલા દરિયાઇ મોજા ગામમાં ઘુસતા લોકોના જીવ અધ્ધર થઈ જાય છે.