/connect-gujarat/media/media_files/2025/10/04/gj-2025-10-04-09-12-31.jpg)
ભાવનગર સિહોર પંથકના દેવગાણા વિસ્તારમાં નકલી દૂધનો માવો બનાવતી ફેક્ટરી પર પોલીસે દરોડો પાડી મોટું કૌભાંડ બહાર પાડ્યું છે. તહેવારોની સિઝન પૂર્વે થયેલી આ કાર્યવાહીથી લોકોમાં ચકચાર મચી ગઈ છે.
સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ખાદ્ય વિભાગની સંયુક્ત ટીમે બાતમીના આધારે આ ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ટીમે સ્થળ પરથી આશરે 1220 કિલો નકલી દૂધનો માવો કબજે કર્યો હતો, જે એક ટનથી વધુ છે. કબજે કરાયેલા મુદ્દામાલની કિંમત અંદાજે રૂ. 2.58 લાખ થાય છે. નકલી માવો માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું જણાતા ખાદ્ય વિભાગે સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે. તપાસના રિપોર્ટ બાદ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરાશે.
પોલીસે ફેક્ટરી સંચાલક કલ્પેશ બરૈયાંની ધરપકડ કરી છે. તહેવારોની સિઝન નજીક આવતાં મિઠાઈ અને માવાની માંગ વધી રહી છે, ત્યારે નકલી ખાદ્યપદાર્થોની હેરફેર અટકાવવા માટે પોલીસની આ કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. આ દરોડાથી સ્પષ્ટ થયું છે કે તહેવારો દરમિયાન ખાદ્યસામગ્રીની ખરીદી કરતી વખતે લોકો વધુ સાવચેત રહેવાની જરૂર છે.