બોલીવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ ગદર-2ને લઇને થિયેટરમાં દર્શકોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, આ ફિલ્મ આજે રિલીઝ થઇ ગઇ છે. સની દેઓલને તારા સિંહના અવતારમાં જનતાએ પહેલીવાર 2001માં મોટા પર્દા પર જોયા હતા. આ સિવાય એડવાન્સ બુકિંગને જોતા પણ લાગી રહ્યું હતુ કે, લોકો આ ફિલ્મને પ્રેમ આપશે પરંતૂ આ બધાની વચ્ચે એક સમાચાર આ ફિલ્મની સફળતાને ધીમી કરી શકે છે. એક્ટર સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2' રિલીઝ થયાના થોડા કલાકો બાદ જ ઓનલાઈન લીક થઈ ગઈ છે અને તે ફ્રીમાં જોઈ અને ડાઉનલોડ કરી શકાય છે. આ સમાચારે મેકર્સને મોટો ઝટકો આપ્યો છે.
'ગદર 2' રિલીઝ થયાને થોડા કલાકો જ થયા છે અને સની દેઓલની ફિલ્મ HD વર્ઝનમાં ઘણી સાઇટ્સ પર ઑનલાઇન જોઇ શકાય છે ફ્રી માં ડાઉનલોડ પણ કરાઇ રહી છે. 'ગદર 2' તમિલરોકર્સ, ટેલિગ્રામ, Filmyzilla, Movierulz અને અન્ય જેવી ઘણી ટોરેન્ટ સાઇટ્સ પર ઉપલબ્ધ છે. આ જોતા લાગી રહ્યું છે કે,ફિલ્મના પ્રથમ દિવસ અને ઓપનિંગ વીકએન્ડના બોક્સ ઓફિસ કલેક્શનને હવે અસર થઈ શકે છે. આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ મોટી ફિલ્મ રિલીઝના દિવસે ઓનલાઈન લીક થઈ હોય. અગાઉ, શાહરૂખ ખાન સ્ટારર 'પઠાણ' જેવી મોટી બોલિવૂડ ફિલ્મો સાથે પણ આવું જ થયું હતું. આ સિવાય સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની એક દિવસ પહેલા રિલીઝ થયેલી 'જેલર' પણ તેની રિલીઝના કલાકોમાં જ ઓનલાઈન લીક થઈ ગઈ હતી. મહત્વનું છે કે,કોપીરાઈટ એક્ટ 1957 હેઠળ, પાઈરેસી એક સજાપાત્ર કૃત્ય અને ફોજદારી ગુનો છે.