/connect-gujarat/media/media_files/2025/08/07/farmar-2025-08-07-09-48-55.jpg)
રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રના નાગરિકોના હિતમાં રાજ્ય સરકારના નિર્ણય વિશે જણાવતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો છે.
તે સિવાય સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો પણ ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લાના ખેડૂતોને 8 કલાકના બદલે હવે 10 કલાક વીજળી અપાશે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને સૌની યોજના મારફત વધારાનું પાણી પણ અપાશે. તો ઉત્તર ગુજરાતમાં પણ આગામી સમયમાં જરુરિયાત જણાશે તો સુજલામ-સુફલામ યોજના મારફત પાણી અપાશે.
આગામી સમયમાં જરૂરીયાત જણાશે તો ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ મારફતે પાણી અપાશે. મંત્રીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ખેડૂતોની રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ આવી હતી જેને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકો અને ખેડૂતોને કોણપણ પ્રકારની હાલાકી ન પડે સમયસર પીવા તેમજ સિંચાઇનું પાણી મળી રહે તે માટે નર્મદાના વધારાના પાણીને સૌરાષ્ટ્રના નાગરિકોને સૌની યોજના મારફતે આપવાનો નિર્ણય કરાયો છે. આ વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે.