શ્રી કૃષ્ણ નિજધામ ગમન તિથિની ઉજવણી...!
સોમનાથ ગોલોક ધામમાં ભગવાન શ્રી કૃષ્ણની નિજધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી હતી.આ પાવન અવસર પર વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ ક્ષેત્ર જ્યાં ભગવાન સોમનાથ બિરાજે છે.તે જપ અને તપની ભૂમિ છે. આ ભૂમિ પર દરેક ચિંતાથી મુક્તિ મળે છે. એટલે સુધી કે જગતગુરુ શ્રી કૃષ્ણએ પણ પોતાની જીવનલીલાને વિરામ આપવા આ પવિત્ર ભૂમિને પસંદ કરી હતી.
ગોલોક ધામએ જ પાવન સ્થાન છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર થી વૈકુંઠ ખાતે પ્રયાણ કર્યું હતું.જ્યાં શ્રી કૃષ્ણની ચરણરજ આ દિવ્ય સ્થાનમાં સમાયેલ છે.તેથી જ પ્રભાસની ભૂમીને હરિ-હર ભુમી કહેવાય છે, જ્યાં ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરિત થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમિ પરથી પ્રયાણ કર્યું હતું.
ગોલોક ધામ ભૂમિ પર પરિવ્રાજક સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચાતુર્માસ કર્યા હતા અને આ પાવન ભૂમિ ખાતે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત અને જ્યોતિષ દ્રષ્ટિએ કાલગણના કરી હતી. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે બપોરે 2 કલાક 27 મિનિટ અને 30 સેકન્ડના સમયે પૃથ્વીલોકથી સ્વધામ ગમન કર્યું હતું.
ભગવાન શ્રી કૃષ્ણની નિજધામ ગમન તિથિની સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓએ ગોલોકધામ ખાતે નૂતન ધ્વજારોહણ કર્યું હતું.ગૌમાતાનું પૂજન અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.બપોરે શ્રી કૃષ્ણના સ્વધામ ગમનની ક્ષણે, ચરણપાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું. શંખનાદ અને જયઘોષ સાથે વાતાવરણ શ્રી કૃષ્ણના હરિનામ રટણથી ગુંજી ઉઠ્યું હતું.