ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી સુરતની બેઠક પર ભાજપ બીનહરીફ થતાં બાકીની 25 બેઠકો પર આજરોજ વહેલી સવારથી જ મતદાન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, શક્તિસિંહ ગોહિલ, આનંદીબેન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓઓએ પોતાના મતાધિકારની ફરજ નિભાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલ ખાતે મતદાન મથકે મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવી હતી. PM મોદી રાજભવન ખાતેથી મતદાન કરવા નીકળ્યા ત્યારે તેઓના કાફલા સાથે મોટી સંખ્યામાં આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે તેઓએ અમદાવાદમાં પોતાનું મતદાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં વધુ મતદાન થાય તેવી લોકોને અપીલ કરી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઢોલ-નગારા સાથે અમદાવાદના શિલજ મતદાન મથકે મતદાન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં 150થી વધુ લોકો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા પહોંચ્યા હતા.
પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના વતન હણોલ ખાતે મતદાન કર્યું. પોતાના પરિવાર અને પ્રથમ વાર મતદાન કરનાર દીકરીઓ સાથે મનસુખ માંડવિયાએ મતદાન કર્યું હતું. આ સાથે જ NDAની સરકાર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આનંદીબેન પટેલે અમદાવાદ શહેરના શિલજ પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ મતદાન કરવા માટે પહોચ્યા હતા. સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ ઉમાભવન ખાતે સી.આર.પાટીલે મતદાન કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.
ગુજરાતના ગુહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજરોજ સુરત શહેરના SVNIT સામે આવેલ કેન્દ્રીય વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. આ દરમ્યાન તેઓ સાથે પરિવારના સભ્યો સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિતરહ્યા હતા.
અમરેલી જિલ્લાના ઈશ્વરીયા ગામમાં પુરષોત્તમ રૂપાલાએ વતનમાં મતદાન કર્યું હતું. પરિવાર સહિત વાજતે ગાજતે ઢોલ-નગારા સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા. પુરષોત્તમ રૂપાલાએ મતદાન કરી મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધર્મપત્નિ સાથે અનિલ જ્ઞાન મંદિર સ્કૂલમાં મતદાન કર્યું છે. ગુજરાતમાં ભારે બહુમતી સાથે તમામ 25 બેઠકો પર ભાજપની જીત થશે, આ સાથે જ પુરષોત્તમ રૂપાલાએ પણ પોતાની બહુમતીથી જીત થશે તેવો વિષવાશ વ્યક્ત કર્યો હતો.
-વજુ વાળા
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટની કોટેચા સ્કુલ ખાતે મતદાન કર્યુ હતું. તેઓ રાજકોટ ખાતે પોતાના સરકારી કાફલા સાથે આવી પહોંચ્યા હતા. સુરક્ષા વચ્ચે રહેતા રાજ્યપાલે પણ એક સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઊભા રહીને મત આપી લોકશાહીના પર્વમાં મતદાન કરવાની અપીલ કરી હતી.
-શક્તિસિંહ ગોહિલ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગાંધીનગરમાં સેક્ટર-19ના સુવિધા કેન્દ્ર રૂમ નં.2માં મતદાન કર્યું હતું, ત્યારે કોંગ્રેસ પક્ષે હાર અને જીત એમ બન્ને જોયા હોવાનો દાવો પણ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો હતો.
-શંકરસિંહ વાઘેલા
તો બીજી તરફ, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વાસણ ગામની પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું. આ સાથે જ લોકો વધુમાં વધુ મતદાન કરી યોગ્ય સરકાર ચૂંટીને લાવે તેવી અપીલ કરી હતી.
-પરેશ ધાનાણી
લોકસભાની હોટ સીટ એવી રાજકોટ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ અમરેલીના બહારપરાની પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું. આ સાથે જ તેઓએ જંગી બહુમતી સાથે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
-રિવાબા જાડેજા
જામનગર મતદાન મથક નં. 122 ખાતે જામનગર ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ મતદાન કરી પોતાની નાઇટઇક ફરજ નિભાવી હતી. આ સાથે જ તેઓએ લોકોને વધુમાં વધુ મત આપી લોકશાહી વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી.
-ગીતા રબારી
આજે મતદાનના દિવસે અલગ અલગ હસ્તીઓએ અલગ અલગ જગ્યાએ મતદાન કર્યું છે, ત્યારે કચ્છી લોક ગાયિકા ગીતા રબારીએ મતદાન કર્યું હતું. ટપ્પર ગામે પરિવાર સાથે મતદાન કર્યું હતું. લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ગીતા રબારીએ કહ્યું હતું કે, દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન જરૂરી છે.
-એશ્વર્યા મજમુદાર
ગુજરાતની જાણીતી સિંગર એશ્વર્યા મજમુદાર અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠકની મતદાર છે. દર વખતે ચૂંટણીમાં એશ્વર્યા મજમુદાર મુંબઈથી મતદાન કરવા માટે અહીં આવે છે. આજે તેઓએ મતદાન કરીને એક ગીત ગાયું હતું, અને મતદારોને અપીલ કરતું ગીત ગાઈને લોકોને જાગૃત કર્યા હતા. જોકે, તમામ મોટા ગજાના નેતાઓ અને હસ્તીઓના આગમનના પગલે પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.