/connect-gujarat/media/media_files/2025/07/10/heavy-rain-2025-07-10-16-47-47.jpg)
બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઇ રહી હોવાથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં હાલ નવરાત્રિને લઇને ગરબા મહોત્સવ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં શનિવારથી શરૂ થયેલો વરસાદ ગરબાના રંગમાં સતત ભંગ પાડી રહ્યો છે. સાતમા નોરતાથી વરસી રહેલા વરસાદે ગરબા આયોજકોની ચિંતા વધારી છે તો ખેલૈયાઓને નિરાશ કર્યાં છે. આ સિસ્ટમ ડિપ્રેશન બાદ વેલ માર્ક લો પ્રેસર એરિયા બની. આ સિસ્ટમના કારણે 2 ઓક્ટોબર સુધી વરસાદ વરસશે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી થઇને સૌરાષ્ટ્ર તરફથી પસાર થઇ રહી છે. જેના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમ આગળ વધીને અરબી સમુદ્રમાં જતી રહેશે.
કેટલા દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે
આ સિસ્ટમના કારણે ગુજરાતમાં હજુ આગામી 3 દિવસ ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. આ સમય દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં પણ મધ્યમથી હળવો વરસાદ વરસતો રહેશે.
ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
વરસાદના આ રાઉન્ડમાં આગામી દિવસોમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ,ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર, રાજકોટ,જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ, આ તમામ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. આ તમામ વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તાપી, સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરરસાદની શક્યતાછે ઉપરાંત દિવમાં પણ ભારે વરસાદ પડશે.હવામાન વિભાગની આગાહી મુજબ સાબકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમથી હળવો વરસાગ રહેશે. 29 અને 30 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વધુ છે.